BREAKING NEWS

સંતાનોએ પ્રેમી સાથે મળી પિતાનું ઘર તોડ્યું, લાખોના દાગીના ચોર્યા, જેતપુરનો શરમજનક કિસ્સો

  • October 07, 2025 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના બાપુની વાડી વિસ્તારમાં એક પિતાના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરીના શરમજનક અને ચોંકાવનારા કિસ્સામાં પોલીસે વધુ ગતિવિધિ હાથ ધરી છે. આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર, પુત્રી અને તેના પ્રેમીની સંડોવણી બાદ હવે રાજકોટ કનેક્શન ખુલતા પોલીસે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. કોર્ટે પુત્રી, તેના પ્રેમી અને નવા પકડાયેલા સાગરિત સહિત ત્રણેયના રિમાન્ડ મંજૂર કર્યા છે.


શું છે સમગ્ર મામલો

જેતપુરના બાપુની વાડીમાં અભિષેક સ્કુલ પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા વસંતભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રભુદાસભાઈ ગોંડલીયા (ઉ.વ. ૪૭)એ શનિવારે, ૪ ઓક્ટોબરના રોજ પોતાના જ ઘરમાંથી કુલ રૂ. ૮,૨૦,૨૫૦ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ તેમણે પોતાના જ ૧૬ વર્ષીય પુત્ર મંયક, ૨૧ વર્ષીય પુત્રી ઋત્વી અને તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડીયા વિરુદ્ધ નોંધાવી હતી.


ઘટના પરથી પડદો આ રીતે ઉંચકાયો

ફરિયાદી વસંતભાઈના જણાવ્યા મુજબ, તેમના પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી શુક્રવારે તેઓ મકાનના દસ્તાવેજો શોધવા માટે પિતાના લોખંડના ટ્રંકની તલાશી લઈ રહ્યા હતા. તે સમયે ટ્રંકમાં રાખેલા આશરે રૂ. ૧,૬૦,૨૫૦ના દાગીના ગાયબ જણાયા હતા. બાદમાં તપાસ કરતા તેમના પોતાના રૂમના કબાટની તિજોરીમાંથી પણ આશરે રૂ.૬,૬૦,૦૦૦ની કિંમતના સોનાના ઘરેણાંના ખાલી બોક્સ જ મળ્યા હતા.


સંતાનોની કબૂલાતથી પરિવાર સ્તબ્ધ

ઘરમાંથી આટલી મોટી રકમના દાગીના ગાયબ થતા વસંતભાઈ અને તેમના પત્નીએ તેમના સંતાનોની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન, પુત્ર મંયક અને પુત્રી ઋત્વી ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ છેલ્લા બે મહિનામાં કટકે-કટકે આ દાગીનાની ચોરી કરી તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ભાવડીયાને આપ્યા હતા.


પોલીસ તપાસમાં રાજકોટ કનેક્શન ખુલ્યું

ફરિયાદ નોંધાયા બાદ જેતપુર સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, ફરિયાદીની પુત્રી ઋત્વીના પ્રેમી કેતન ઉર્ફે અજય ભાવડીયાએ ચોરીના દાગીના રાજકોટમાં રહેતા તેના મિત્ર અભય વિનુભાઈ ગોહિલની મદદથી મુંબઈમાં વેચી દીધા હતા. આ માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી અભય ગોહિલની પણ ધરપકડ કરી હતી.


ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર

આજે પોલીસે નવા પકડાયેલા આરોપી અભય ગોહિલ, ફરિયાદીની પુત્રી ઋત્વી અને તેના પ્રેમી કેતન ઉર્ફે અજયને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય પુખ્ત વયના આરોપીઓના વધુ પૂછપરછ અને મુદ્દામાલની રિકવરી માટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ કેસમાં સામેલ ફરિયાદીના ૧૬ વર્ષીય સગીર પુત્રને કાયદાકીય પ્રક્રિયા મુજબ બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે ચોરીના મુદ્દામાલને મુંબઈથી પરત મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને રિમાન્ડ દરમિયાન આ કેસમાં અન્ય કોઈ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application