ચીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત મુલાકાત પ્રત્યે સકારાત્મક વલણ વ્યક્ત કર્યું છે, અને કહ્યું છે કે ભારત, ચીન અને રશિયા વચ્ચે મજબૂત ત્રિપક્ષીય સંબંધો માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને ચીન વચ્ચેના સંબંધો પહેલાથી જ મજબૂત છે અને ભારત-ચીન સંબંધો સામાન્યીકરણ તરફ આગળ વધી રહ્યા છે.જેના પગલે હવે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે ચીન, ભારત અને રશિયા ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ અવાજો છે. તેમણે કહ્યું કે આ ત્રણેય દેશો વચ્ચે મજબૂત અને સ્થાયી સહયોગ માત્ર તેમને લાભ જ નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિમાં પણ ફાળો આપશે. ગુઓએ કહ્યું, "મજબૂત ત્રિપક્ષીય સહયોગ જાળવી રાખવો એ બધા દેશોના હિતમાં છે અને એશિયા અને સમગ્ર વિશ્વમાં સ્થિરતા માટે ફાયદાકારક રહેશે.
ભારત-ચીન સંબંધો સુધારણાના માર્ગ પર
ચીને ભારત-ચીન સંબંધો પર પણ સકારાત્મક સંકેતો આપ્યા, જે 2020 માં પૂર્વી લદ્દાખમાં તણાવ પછી ઠંડા પડી ગયા છે. ગુઓ જિયાકુને કહ્યું કે બેઇજિંગ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે ભારત સાથે કુદરતી, સ્થિર અને મજબૂત સંબંધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, અમે આ સંબંધને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી સંચાલિત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છીએ, જેથી બંને દેશોના લોકો વાસ્તવિક લાભ મેળવી શકે.
પુતિનના નિવેદન પર ચીનની પ્રતિક્રિયા
બેઇજિંગ રશિયા-ભારતના ગાઢ સંબંધો પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતની મુલાકાત પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં, પુતિને ભારત અને ચીનને રશિયાના સૌથી નજીકના મિત્રો ગણાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો પોતાના વિવાદો જાતે જ ઉકેલી શકે છે. આ નિવેદનના જવાબમાં, ચીને રશિયા અને ભારત બંને સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની તૈયારી દર્શાવી. ચીનના રાજ્ય મીડિયાએ પુતિનના નિવેદનોને પ્રકાશિત કર્યા, જેમાં તેમણે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાની યુએસ ટીકાને પણ નકારી કાઢી.