વૈશ્વિક મહાસત્તા બનવાની ઘોષણા વચ્ચે ચીન હવે પોતાની પરમાણુ શક્તિને વધુ ઘાતક અને અભેદ્ય બનાવવામાં લાગી ગયું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો (Satellite Images) થી એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે ચીન તેના ઉત્તર-પશ્ચિમ રણ પ્રદેશમાં મોટા પાયે પરમાણુ કિલ્લેબંધી કરી રહ્યું છે. શિનજિયાંગ અને ગાંસુ પ્રાંતના રણ વિસ્તારમાં ૮૦ થી વધુ નવા કૉંક્રિટ લોન્ચ પેડ, અદ્યતન સૈન્ય મથકો અને અંડરગ્રાઉન્ડ કમ્યુનિકેશન નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ (Reuters) દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ચીન તેના સૌથી લાંબી દૂરીના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ (ICBM) ના ઠેકાણાઓની આસપાસ લોખંડી સુરક્ષા કવચ બનાવી રહ્યું છે. આ કિલ્લેબંધી હજારો ચોરસ કિલોમીટરના વેરાન રણ પ્રદેશમાં ફેલાયેલી છે.
નિષ્ણાતો પણ ચોંક્યા: ‘આ સ્તરનું બાંધકામ ઇતિહાસમાં ક્યારેય નથી જોયું’
અમેરિકાના ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના ન્યુક્લિયર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટના ડાયરેક્ટર હેન્સ ક્રિસ્ટન્સને આ સૈન્ય નિર્માણને અસાધારણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે અગાઉ ક્યારેય આટલા મોટા પાયે પરમાણુ માળખાનું નિર્માણ જોવા મળ્યું નથી. શિનજિયાંગના હામી પરમાણુ મિસાઈલ ક્ષેત્ર નજીક ૮૦ થી વધુ કૉંક્રિટ લોન્ચ પેડ બનાવવામાં આવ્યા છે.
ઓક્ટોગોનલ સૈન્ય મથકો
રણમાં ત્રણ વિશાળ અષ્ટકોણીય (Octagonal) મિલિટરી કોમ્પ્લેક્સ દેખાયા છે, જેનો ઉપયોગ એર ડિફેન્સ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને સેટેલાઇટ કમ્યુનિકેશન કમાન્ડ સેન્ટર તરીકે થવાની આશંકા છે.
પરમાણુ કિલ્લામાં શું છે ખાસ સુવિધાઓ?
નવી સેટેલાઇટ તસવીરો અનુસાર, આ આધુનિક સૈન્ય સંકુલમાં માત્ર મિસાઈલ જ નહીં પરંતુ સૈનિકો અને હથિયારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે:
અંડરગ્રાઉન્ડ રસ્તા અને રેલ નેટવર્ક: અહીં સૈનિકોના રહેણાંક, વિશાળ લશ્કરી વાહનોના શેડ, અંડરગ્રાઉન્ડ બંકરો, સુરક્ષિત ગોદામો, હવાઈ પટ્ટીઓ (Air Strips) અને રેલવે લિંક પણ બનાવવામાં આવ્યા છે.
ફાઈબર-ઓપ્ટિક કેબલનો જુગાડ: રણમાં દૂર-દૂર સુધી ફેલાયેલા રસ્તાઓ અને ભૂગર્ભ માર્ગોમાં ફાઈબર-ઓપ્ટિક કેબલ નાખવામાં આવી છે, જે તમામ લોન્ચ પેડ્સને સીધા મુખ્ય કમાન્ડ સેન્ટર સાથે જોડે છે જેથી સેટેલાઇટ જામિંગની કોઈ અસર ન થાય.
યુદ્ધાભ્યાસ: અહેવાલો મુજબ એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન આ ગુપ્ત વિસ્તારોમાં ચીનની સેના દ્વારા મોટા પાયે સૈન્ય પ્રેક્ટિસ અને મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમના પરીક્ષણો પણ જોવામાં આવ્યા છે.
અમેરિકા અને પશ્ચિમી દેશોની વધી ચિંતા
ચીન હંમેશા આંતરરાષ્ટ્રીય મંચ પર દાવો કરતું આવ્યું છે કે તે ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલા પરમાણુ હુમલો ન કરવો) ની નીતિ પર ચાલે છે. પરંતુ તેના આ ગુપ્ત અને ઝડપથી વધી રહેલા પરમાણુ સામ્રાજ્યે અમેરિકા સહિત પશ્ચિમી દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. ચીન પોતાના પરમાણુ કાર્યક્રમ અંગેની કોઈ માહિતી સત્તાવાર રીતે જાહેર કરતું નથી.
તાજેતરમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તાઇવાનના મુદ્દા પર જો અમેરિકા ખોટું પગલું ભરશે, તો બંને દેશોના સંબંધો અત્યંત ખતરનાક વળાંક પર આવી જશે. આવા સમયે આ પરમાણુ કિલ્લાના અહેવાલો વૈશ્વિક તણાવ વધારનારા સાબિત થઈ રહ્યા છે.
ચીન પાસે ૧૦૦ થી વધુ અણુ મિસાઈલો તૈનાત
સંરક્ષણ નિષ્ણાતોના અંદાજ મુજબ, ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧,૦૦૦ થી વધુ પરમાણુ વોરહેડ (પરમાણુ શસ્ત્રો) રાખવાની ક્ષમતા હાસલ કરી લેશે. હાલમાં તેના ત્રણ મુખ્ય મિસાઈલ ક્ષેત્રોમાં અંદાજે ૧૦૦ જેટલી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ (ICBM) સજ્જ સ્થિતિમાં તૈનાત છે. ચીન જે પ્રકારે મોબાઈલ લોન્ચ સિસ્ટમ, કમ્યુનિકેશન ટાવર્સ અને મિસાઈલ ડિફેન્સનું મજબૂત કવચ બનાવી રહ્યું છે, તે દુનિયાની અન્ય પરમાણુ સત્તાઓ (અમેરિકા અને રશિયા) કરતાં તદ્દન અલગ અને વધુ વ્યાપક છે.