BREAKING NEWS

શાપરમાં સિટી બસના ચાલકને ગાળો-ધમકી આપી, પથ્થર મારી બસનો કાચ ફોડી નાંખ્યો

  • October 28, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં સિટી બસના ચાલકને રાજકોટમાં રહેતા બાઇક ચાલકે ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં પથ્થરનો ઘા કરી બસનો કાચ ફોડી નાંખી રૂ.૧૫ હજારનું નુકશાન કર્યું હતું. જે અંગે બસ ચાલક દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના સિંહોરના વતની અને હાલ રાજકોટમાં રૈયા ચોકડી પાસે સિટી બસ ડેપોમાં રહેતા અને સિટી બસ ચલાવનાર ચાલક બળવંતભાઇ રમેશભાઇ ચૌહાણ(ઉ.વ ૪૧) દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ધર્મરાજસિંહ મુકેશભાઇ બારડનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,બળવંતભાઇ રાજકોટ મહાનગર પાલિકાની રૂટ નં.૮૦ ની બસ નં. જીજે ૦૩ બીઝેડ ૪૨૫૭ લઇને શાપરથી પસેંજનર ભરી રાત્રીના પોણા આઠેક વાગ્યે રાજકોટ જવા નીકળતા આઠેક વાગ્યે ખોડીયાર હોટલથી સર્વિસ રોડ પર સરદાર હાઇટ્સ પાસે પહોંચતા સામેથી ફોર વ્હીલ કાર આવતી હોય જેથી બસ સાઇડમાં લેતા એક બાઇક ચાલક બસ આગળ થયો હતો.આ શખસે બસ રોકાવી ચાલકને કહ્યું હતું કે, તું બસ નીચે ઉતર જેથી બસચાલકે કહ્યું હતું કે, શું કામ છે તો આ શખસે તું નીચે આવીને વાત કર.


બાદમાં બસ ચાલક નીચે ઉતરતા આ શખસે ગાળો આપી કહ્યું હતું કે, તારી બસ કેમ મારી બાજુ દબાવીને ચલાવશ? જેથી બસ ચાલકે કહ્યું હતું કે સામેથી ફોર વ્હીલ આવતી હોય જેથી બસ સાઇડમાં લીધી હતી અને તમારી સાથે ભટકાયેલ નથી. આ સાંભળી આ શખસ વધુ ઉશ્કેરાયો હતો કહેવા લાગ્યો હતો કે, અહીંથી બસ ચલાવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં આ શખસે સાઇડમાં પથ્થર લઇ બસના કાચ પર મારી કાચ ફોડી નાંખ્યો હતો. દરમિયાન કંડકટર સાગરભાઇ મકવાણાએ બાઇકનો ફોટો પાડી લેતા તેના નં.જીજે ૩ બીસી ૦૧૧૧ હતાં. આ બાઇકચાલક કહેતો હતો કે મારૂં નામ ધર્મરાજસિંહ બારડ છે હું રાજકોટમાં રહું છે. બાદમાં આ અંગે પોલીસને જાણ કરી દેવાતા પોલીસ અહીં આવી હતી બસ ચાલકને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સિટી બસના ચાલકની ફરિયાદ પરથી શાપર પોલીસે આરોપી સામે બસ ચાલકને ગાળો અને ધમકી આપવા તથા પથ્થર મારી બસમાં રૂ.૧૫ હજારનું નુકશાન કર્યા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application