BREAKING NEWS

રાજકોટથી નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ દેશના 57 એરપોર્ટ પર જનસુવિધાઓનું લોકાર્પણ કર્યું: રૂ.10માં ચા અને રૂ.૨૦માં નાસ્તો મળશે

  • March 29, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રામમોહન નાયડુ કિન્જરાપુએ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશભરના 57 એરપોર્ટ માટે વિવિધ અત્યાધુનિક સુવિધાઓનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. આ અંતર્ગત 11 ‘ઉડાન યાત્રી કેફે’, 8 એરપોર્ટ પર ડીજી યાત્રા, 50 ફ્રી વાઇ-ફાઇ ઝોન અને ફ્લાયબ્રેરીઝ જેવી સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી હતી.


આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં ભારતીય સિવિલ એવિએશનનો ચહેરો બદલાઈ ગયો છે. વર્ષ 2014માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 165થી વધુ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ઉડાન’ યોજના દ્વારા સામાન્ય માનવી પણ હવાઈ મુસાફરી કરતો થયો છે. આગામી સમયમાં દેશમાં એરપોર્ટની સંખ્યા ૩૫૦ સુધી લઈ જવાનો અને નવા ૨૦૦ હેલિપેડ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.


ઉડાન યાત્રી કેફેનું આકર્ષણ

રાજકોટ એરપોર્ટ પર મંત્રીએ ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કરી ગાંઠિયા-ગુલાબજાંબુની મજા માણી હતી. આ કેફેમાં મુસાફરોને અત્યંત રાહત દરે માત્ર રૂ.10માં ચા અને રૂ.20માં સમોસા-કચોરી જેવો નાસ્તો મળી રહેશે. આ કાર્યક્રમમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રામ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન અને સચિવએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી નાગરિક સુવિધાઓમાં થયેલા વધારાને બિરદાવ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application