રાજકોટ શહેરમાં પાંચ દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ નેપાળી યુવકની સારવાર બરાબર થતી ન હોય અને લોહી ચડાવવા બાબતે તબીબ સાથે એક શખશે મારામારી કરતા તબીબો હડતાલ પર ઉતરી ગયા બાદ ફરજમાં રૂકાવટ કરનાર સામે ગુનો નોંધાયો હતો તે દરમિયાન સિવિલમાં દાખલ યુવકનું મૃત્યુ નીપજતા મૃતક ની સારવારમાં બેદરકારીથી મોત નીપજ્યાંના આક્ષેપો સાથે ડોક્ટર સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસ પૂર્વે નેપાળી યુવક વિનય થાપા ને બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને લોહી ચડાવવા બાબતે પરિચિત જયદીપ ચાવડા નામના યુવકે ન્યુરોસર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો કર્યો હતો.
આ અંગે તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા ત્યારબાદ પ્ર નગર પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ ની કલમ હેઠળ જયદીપ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન સિવિલમાં જે યુવકને દાખલ કરાયો હતો તે નેપાળી યુવક વિનય થાપાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જેથી મૃતકના પરિવાર અને સમાજના વ્યક્તિઓએ તબીબી બેદરકારીના કારણે વિનયનું મૃત્યુ થયાના આક્ષેપો કર્યા હતા તેમ જ જવાબદાર ડોક્ટર સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી અને જો તબીબ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.