ગૌરીદડમાં આવેલી જમીનના સોદામાં તલાટી મંત્રી અને જમીન ખરીદનાર સહિત ત્રણ વ્યક્તિઓએ ગેરરીતિ કરી હોવાના આક્ષેપ સાથે જમીનના મૂળ માલિક વ્યાસ પરિવાર દ્વારા ગઈકાલે પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવામાં આવી હતી. દરમિયાન જમીન ખરીદનાર નથવાણી બંધુ અને તલાટીએ પોલીસ કમિશનર કચેરીમાં વળતી અરજી કરી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા જમીન માલિકને પૂરતી અવેજ ચૂકવી આ જમીન ખરીદી વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો છે. મદદનીશ કલેકટર રાજકોટ શહેર-૨ પ્રાંતની કોર્ટમાં આ તકરારી કેસ ચાલતા તેમણે દસ્તાવેજો ચેક કરી નોંધ પ્રમાણિત કરવા અંગેનો હુકમ કર્યો છે. તેમ છતાં વધુ પૈસા પડાવવા માટે આ અરજી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં રહેતા અભિરામભાઈ ઘનશ્યામભાઈ નથવાણી, જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણી તેમજ તત્કાલીન તલાટી રણછોડભાઈ અવચરભાઈ કકાસણીયા દ્વારા પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમણે બકુલભાઈ મનસુખભાઈ વ્યાસ, દિલીપભાઈ વ્યાસ, રાજુભાઈ વ્યાસ, વંદનાબેન કિશોરભાઈ, અન્નપૂર્ણાબેન મનસુખલાલ, જાગૃતીબેન મનસુખલાલ, શિવસાગર વ્યાસ પાસેથી ગૌરીદળની ખેતીની જમીન તારીખ 23/9/2025 થી પૂરતો અવેજ ચૂકવી ખરીદ કરી છે.
ખેતીની જમીન ખરીદ્યા બાદ અવેજની પૂરી રકમ ચૂકવી દીધી હોવા છતાં વધુ રૂપિયા પડાવવાની લાલચમાં દાનત બગડતા રેવન્યુ રેકોર્ડની નોંધમાં તકરાર ઊભી કરવામાં આવી હતી. તકરારનો નિર્ણય મદદનીશ કલેકટર રાજકોટ શહેર-૨ પ્રાંતની કોર્ટમાં ચાલી જતા તારીખ 24/12/2025 ના મદદનીશ કલેકટરે અરજદારોએ રજૂ રાખેલા દસ્તાવેજી આધાર પુરાવો તથા ચેકથી રકમ ચૂકવી આપેલ છે તેના સ્ટેટમેન્ટ સહિતના પુરાવા માન્ય રાખી નોંધ પ્રમાણિત કરવા અંગેનો હુકમ કર્યો હતો અને અરજદારોના નામની રેવન્યુ રેકોર્ડમાં નોંધ પ્રમાણિત થતા બકુલભાઈ વ્યાસ અને તેના પરિવાર દ્વારા અરજદાર ઉપર ખોટી રીતે વધુ રૂપિયા પડાવવાની લાલચમાં આવી પોલીસ કમિશનર કચેરીમાં ખોટી ગેરરજૂઆતો સાથેની અરજી આપી હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. જેથી બકુલભાઈ વ્યાસ તથા તેમના પરિવારની આ અરજી ફાઇલે કરવા અને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી છે.