રાજકોટના ભાવનગર રોડ પર આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ અનુસુચિત સમાજ વચ્ચે મંદિરની બાજુમાં આવેલી સર્વે નંબર 194ની આશરે 0.4 એકર સરકારી જમીન બાબતે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાદવિવાદ અને માથાકૂટ ચાલતી હોય દરમિયાન ગઈકાલે આ જમીનમાં પ્રસ્થાપિત કરેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડી અન્ય જગ્યાએ નાખી દઈ નુકસાન કરી લાગણી દુભાવતા રોષ ભભૂકીયો હતો. જે સંદર્ભે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે આજીડેમ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પતીત પવન સ્વામી સામે નામ જોગ ફરિયાદ
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સરધાર ગામે રહેતા અમીરભાઈ દાનાભાઈ પરમાર (ઉં.વ. 38) વાળાએ સરધારના સ્વામિનારાયણ મંદિરના પતીત પવન સ્વામી સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાઈ
ફરિયાદમાં જણાવ્યા મુજબ સરધાર ગામે રહેતા અનુસૂચિત સમાજના લોકો જે જમીનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં ફૂલહાર ચડાવવા ગયા હતા પરંતુ પ્રતિમા ત્યાં નજરે પડી ન હતી જે અંગે તેઓને ફોન કરી જાણ કરવામાં આવતા સમાજના 20 જેટલા લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા. આ અંગે સ્થળ પર તપાસ કરતા જાણી જોઈ કોઈ મશીનરી દ્વારા ડોક્ટર બાબા આંબેડકરની પ્રતિમાને તોડી અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવ્યાનું તેમજ તે જગ્યામાં પ્રતિમા ફરતે ઓટો બનાવ્યો હતો તે પણ તોડી નાખવામાં આવ્યાનું ધ્યાને આવતા અનુસૂચિત જાતિમાં રીતસરનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
આ અંગે અનુસૂચિત સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સ્વામિનારાયણ મંદિરના પતીર્થ સ્વામી અને અન્ય બે વ્યક્તિઓ આવ્યા હતા અને આગેવાનો સાથે વાતચીત કરી હતી તે દરમિયાન સ્વામીને જે જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા છે તે જગ્યાએથી પ્રતિમા નહીં હટાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે સ્વામીએ સમાજને ખાતરી આપી હતી કે પ્રતિમા હટાવશો નહીં આ જગ્યા પર હોસ્પિટલ બનાવીશું ત્યારે બાબા આંબેડકરની પ્રતિમાની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ માનભેર રાખીશું તેવી ખાતરી આપવામાં આવી હતી જે બાબતની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
ઓટામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું
તેમ છતાં ઇરાદાપૂર્વક મિટિંગના ત્રણ દિવસ બાદ કોઈને જાણ કર્યા વગર બાબા આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડી તે જગ્યાએથી અન્ય જગ્યાએ નાખી દઈ તેમજ જગ્યામાં ઓટામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડેલું હોય તેમ જ સમાજની લાગણી દુભાવી હોય જે અંગે આજીડેમ પોલીસ મથકમાં સરદાર સ્વામિનારાયણ મંદિરના પતીત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવતા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસીપી બી વી જાદવ ચલાવી રહ્યા છે.
રોષના પગલે સરધાર અને ત્રંબા પાસે રસ્તા બ્લોક કર્યા પોલીસે દોડી
સરધારમાં સરકારી જમીન માં કબજા બાબતે સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ અનુસૂચિત જાતિ વચ્ચે ચાલતા વિવાદમાં ડો બાબા આંબેડકર ની પ્રતિમા રાતોરાત તોડી ગુમ કરવા મામલે રોષ ભભૂકતા સમાજ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતર્યો હતો અને સરધાર હાઈવે તેમજ ત્રંબા નજીક રસ્તા બ્લોક કરતા ટ્રાફિકજામ થયો હતો જે અંગે આજીડેમ પોલીસ ને જાણ થતા તાત્કાલિક દોડી જાય આગેવાનો ને સમજાવી મામલો થાળી પાડી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો.
સરધારમાં મામલો વધુ ન બીચકે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સરધાર ગામે વિવાદિત સરકારી પ્લોટ માંથી બાબા આંબેડકર ની પ્રતિમા તોડી ગાયબ કરી દેવામાં આવતા અનુસૂચિત સમાજમાં લાગણી દુભાતા મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને રોષ ભભુકતા તકેદારીના ભાગરૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ડી સ્ટાફ સહિતના પોલીસ જવાનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.