BREAKING NEWS

બોટાદના હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, પોલીસ વાહનોમાં તોડફોડ

  • October 12, 2025 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદમાં આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે આ અંગે મંજૂર ન આપતા બોટાદના હડદડ ગામે ખેડૂતોની પંચાયત યોજાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. 


મળતી માહિતી મુજબર, હડદડ ગામે ખેડૂત પંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. પોલીસે અહીં એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. બબાલ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.


પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું

ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં અને પોલીસ કર્મચારીઓને બચાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ઘર્ષણ અને પથ્થરમારાના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે. આ ઘટના પહેલા જ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સ્પષ્ટતા કરી હતી કે કિસાન પંચાયત દ્વારા જાહેર કરાયેલા એલાનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે નહીં.


કોઈપણ વ્યક્તિનું અહીં આવવું કે ભેગા થવું ગેરકાયદેસર ગણાશે

પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, "કોઈપણ વ્યક્તિનું અહીં આવવું કે ભેગા થવું ગેરકાયદેસર ગણાશે. જો કોઈ વ્યક્તિ અહીં એકઠા થશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."


કડક પોલીસ બંદોબસ્ત તૈનાત

કિસાન પંચાયતના એલાનને પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક સહિત ચાર નાયબ પોલીસ અધિક્ષક, પંદર પોલીસ ઇન્સ્પેક્ટર, પચાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને એક હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, તેમ છતાં ઘર્ષણની ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application