BREAKING NEWS

થોરાળામાં બે જૂથ વચ્ચે અથડામણ: ત્રણને ઇજા

  • November 12, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં મારામારી, જુથ અથડામણ સહિતના બનવનો સિલસિલો અટકવાનું નામ ન લેતો હોય તેમ વધુ એક આવી ઘટના બનવા પામી છે. નવા થોરાળા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં ત્રણ ઘવાયા હતાં. એકાદ માસથી ચાલી રહેલા મનદુઃખના વાત મારામારી સુધી પહોંચી હતી. પથ્થરમારો અને સોડા બોટલના ઘા કરી તોડફોડ કરવામાં આવી હતી. જે મામલે થોરાળા પોલીસે 10 શખસો વિરુદ્ધ નામજોગ જયારે અન્ય દસેક લોકોના ટોળાં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


બનાવ અંગે નવા થોરાળા વિસ્તારમાં વણકરવાસ શેરી નં.-4 માં મોમાઈ પાન પાછળ રહેતા ચંદ્રકાંતભાઈ ઉર્ફે સંજય દલાભાઈ ખીમસુરીયા(ઉ.વ. 35) દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સબીર ઉર્ફે બોદુ ઓડિયા, હિરેન કેશુભાઈ રાણપરિયા, અશરફ ઓડિયા, અબીદ ગનીભાઈ ઓડિયા, અરબાઝ રફીકભાઈ રાઉમા, અબ્દુલ અનવરભાઈ દલ, અલી રજાકભાઈ શેખ, ગુલામ રજાકભાઈ શેખ, શાહિદ અશરફ ઓડિયા, અશરફની દીકરી અને અન્ય આઠથી દસ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. જે અંગે થોરાળા પોલીસે રાયોટ, હુમલો, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


યુવાને જણાવ્યું હતું કે,તે ડ્રાઇવિંગ કામ કરે છે. રોહિત ઉર્ફે બાઠી મનજીભાઈ રાઠોડ શેરીમાં રહે છે જે યુવાનનો કૌટુંબિક ફઈનો દીકરો છે. વધુમાં યુવકે જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૧/૧૧/૨૦૨૫ ના રોજ આશરે સાંજના સાડા પાંચ વાગ્યે તે સોરઠીયાવાડી સર્કલ પાસે હતો. ત્યારે રોહિત ઉર્ફે બાઠી રાઠોડનો ફોન આવેલ કે વીસથી પચ્ચિસ લોકો મારા પર હુમલો કરવા આવ્યો છે, તું જલ્દી ઘર નજીક આવ. જેથી યુવાન સોરઠીયાવાડીથી સીધો જ નવા થોરાળા ગોકુળપરા શેરી નંબર- ૬, સ્વામિનારાયણ સ્કૂલ પાસે પહોંચેલ ત્યારે જોતા બોટલ અને પથ્થરના ઘા થતા હતા અને છરી-તલવારો સાથેનું ટોળું જોવા મળ્યું હતું. જે ટોળુ ગોકુળપરા શેરી નંબર-૬ માં પથ્થરો અને સોડા બોટલનો ઘા કરતા હતા. દરમિયાન રોહિત ઉર્ફે બાઠી પર સબીર ઉર્ફે બોદુ ઓડીયા સહિતના શખ્સોએ હુમલો કરી દીધો હતો. બાદમાં યુવાનને જોઈને ટોળાંના શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ભાગ નહિ તો તારા બે કટકા કરી નાખીશ કહી ધમકી આપી હતી. જેથી યુવાનને ડર લાગતા તે થોડો દૂર ભાગી ગયેલ હતો.


થોડીવારમાં પોલીસ આવી જતાં હુમલાખોરો સ્થળ પરથી નાસી ગયેલ હતા. બાદ રોહિત ઉર્ફે બાઠીને ઇજા થયેલ હોય તેને ૧૦૮ માં યુવાન તથા પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં રોહિતની પ્રાથમિક સારવાર કરાવેલ અને રોહિતની સ્થિતિ ગંભીર હોવાનું તબીબે જણાવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ રોહિત વેન્ટિલેટર પર હોવાનું ફરિયાદીએ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, રોહિતને માથાના ભાગે તલવારનો ઘા વાગ્યો હતો.


બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ડખ્ખામાં સામાપક્ષે અશરફ અને તેની પુત્રીને પણ ઇજા પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application