રાજ્યમાં ભાગીને લગ્ન કરનાર યુગલની નોંધણી પ્રક્રિયા અંગે સરકાર દ્વારા મોટા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે. આ મુદ્દે આવતીકાલે મળનારી રાજ્ય કેબિનેટ બેઠકમાં નવા સુધારેલા નિયમોને મંજૂરી આપવામાં આવી શકે છે. જો કેબિનેટમાંથી મંજૂરી મળશે તો સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલની લગ્ન નોંધણીને અંતિમ મંજૂરી ક્લાસ–2 અધિકારી દ્વારા આપવામાં આવશે. અત્યાર સુધી તલાટી કમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરી શકતા હતા, પરંતુ હવે ક્લાસ–૨ અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્ય રહેશે નહીં. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને તે ક્લાસ–૨ અધિકારીને મોકલશે.
વાલીએ પોતાનો જવાબ અથવા વાંધો રજૂ કરવો ફરજિયાત
આ ઉપરાંત ભાગીને લગ્ન કરનાર યુગલની નોંધણી પ્રક્રિયામાં તેમના માતા–પિતાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બનશે. નવા નિયમો મુજબ યુવક અને યુવતીના માતા–પિતા અથવા વાલીઓને નોંધણી અંગે નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યાના 30 દિવસની અંદર યુવક–યુવતીના માતા–પિતા કે વાલીએ પોતાનો જવાબ અથવા વાંધો રજૂ કરવો ફરજિયાત રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વાંધો રજૂ થાય તો અધિકારીઓ દ્વારા તેની યોગ્ય તપાસ કરવામાં આવશે.
આ નવા નિયમો દ્વારા ભાગીને લગ્નના કેસોમાં પારદર્શિતા વધશે
સરકારનું માનવું છે કે આ નવા નિયમો દ્વારા ભાગીને લગ્નના કેસોમાં પારદર્શિતા વધશે અને ગેરકાયદેસર અથવા બળજબરીથી થયેલા લગ્નને અટકાવવામાં મદદ મળશે. સાથે સાથે યુવક–યુવતીની સુરક્ષા અને તેમના પરિવારની ચિંતા પણ ધ્યાનમાં લેવામાં આવશે. જો આવતીકાલે કેબિનેટ બેઠકમાં આ સુધારેલા નિયમોને મંજૂરી મળે છે તો રાજ્યમાં ભાગીને લગ્ન કરનારાઓ માટે લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયા વધુ કડક અને નિયમિત બની જશે. સરકારની આ પહેલને લઈને લોકો અને સામાજિક સંગઠનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.