શિયાળાની સિઝનમાં ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય એવું વાતાવરણ અનુભવાય છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો સામાન્યથી ત્રણ ડિગ્રી જેટલો ઊંચકાયો છે અને તેના કારણે સવારનું ફૂલ ગુલાબી ઠંડીનું વાતાવરણ પણ રહ્યું નથી. અત્યાર સુધી ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં હતું તે પણ આજે ડબલ ડિજિટમાં આવી ગયું છે. ગિરનાર પર્વત ઉપર આજે સવારે લઘુતમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 15.7 અને ભવનાથ તળેટીમાં 13.7 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% રહેવા પામ્યું છે.
ગિરનાર પર્વતની માફક નલિયામાં પણ તાપમાન ગઈકાલથી જ સિંગલ ડીજીટમાંથી ડબલ ડીલીટમાં આવી ગયું છે. આજે તેમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજે નલિયામાં લઘુતમ તાપમાન 13.8 અને ગઈકાલનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં આજે સવારનું લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી હતું જે સતત બીજા દિવસે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું રહેવા પામ્યું હતું. પોરબંદરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને સુરતમાં પણ 33 ડિગ્રી રહ્યું હતું. પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી રહેવા પામ્યું છે.
ભુજમાં આજે લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી અને ગઈકાલનું મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં આજે 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 15.6, દ્વારકામાં 19.7, કંડલામાં 17.5, ઓખામાં 20.7 અને વેરાવળમાં ૧૯.૫ ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું હતું. સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પ્રમાણમાં ઓછું રહેતું હોય છે પરંતુ ગઈકાલે દમણમાં 33 અને દીવમાં 31 ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
પંજાબ અને રાજસ્થાનમાં પણ વરસાદ માટે આગાહી
પૂર્વમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉતરાખંડમા વરસાદ પડી રહ્યો છે. પંજાબ અને રાજસ્થાનમાં પણ હવે વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુ કેરલા કર્ણાટક લક્ષદ્વીપ અંદામાન નિકોબારમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દરિયામાં તીવ્ર ગતિએ પવન ફૂકાય છે અને તેથી માછીમારોને બંગાળની ખાડીમાં ગલ્ફ ઓફ મેનોર નજીક આવેલ વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.