BREAKING NEWS

ગુજરાતમાં બર્ફીલા પવન સાથે ઠંડીનો ચમકારો: સાડા ત્રણ ડિગ્રી પારો ગગડ્યો, હજુ ચાર દિવસમાં ચાર ડિગ્રી ઘટશે

  • January 02, 2026 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાના બીજા જ દિવસે લઘુતમ તાપમાનમાં આશ્ચર્યજનક રીતે જોરદાર વધારો થયા બાદ આજથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે સાંજથી જ વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો અને બરફીલા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું. લઘુતમ તાપમાનનો પારો સામાન્યથી સાડા ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો હતો અને તેના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ફરીને સિંગલ ડીજીટમાં આવી ગયું છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું હતું. જુનાગઢ શહેરમાં 14.1 અને ભવનાથ તળેટીમાં 12.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર દિશામાંથી ફુકાઈ રહેલા ઠંડા પવનને કારણે હજુ લઘુતમ તાપમાનમાં આગામી ચાર દિવસમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે અને ઠંડીની તીવ્રતા પણ વધશે.

રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી હતું તે આજે ઘટીને 14 ડિગ્રી થઈ ગયું છે. નલિયામાં આજનું લઘુતમ તાપમાન 10.8 ડિગ્રીનું થયું છે જે ગઈકાલના 12.2 ડિગ્રીની સરખામણીએ બે ડિગ્રી જેટલું ઓછું છે. ડીસામાં ગઈકાલે 16 અને આજે 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. કંડલામાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે 15.5 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહેવા પામ્યું છે. વેરાવળમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 18.1 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

તાપમાનમાં સૌથી મોટો ઘટાડો અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં ગઈકાલે 18.9 અને આજે 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરામાં આજનું લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી સુરતમાં 17.4 ડિગ્રી નોંધાયું છે.

જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વરસાદ અને વરસાદ ચાલુ જ છે. તામિલનાડુ માં પણ વરસાદ ચાલુ જ છે. પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે. સાથોસાથ વાતાવરણમાં ધુમ્મસ છવાયુ હોવાથી વાહન વ્યવહારને ભારે વિપરીત અસર પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application