જામનગરમાં સતત ચોથા દિવસે પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો, હજુ ત્રણ દિવસ સુધી ઠંડી રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, લોકો ગરમ કપડામાં વિંટળાયા છે, ઠેર-ઠેર તાપણા થઇ રહ્યા છે, ગઇકાલે ગીરનાર પર્વત ઉપર ૭ ડીગ્રી અને નલીયામાં ૭.૫ ડીગ્રી તાપમાન હતું, આગામી દિવસોમાં કેટલાક ગામોમાં ધુમ્મસ અને શીત લહેર પણ રહેશે.
આજે સવારે ૩૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, બસ અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી હતી, ગામડામાં ટાઢોડાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે, રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર મહાપાલીકા દ્વારા રસ્તા ઉપર અને ફુટપાથો ઉપર સુતેલા લોકોને સેલ્ટર હોમમાં ખસેડવાની ચાલું રાખવામાં આવી છે, હજુ પણ ઠંડી પડશે તેવી આગાહી હોય ભીક્ષુકોને સમજાવીને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૫ થી ૩૦ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી. ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો હજુ વધુ ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે.