છેલ્લા થોડા દિવસોથી શિયાળો બરાબર જામ્યો છે અને આજે શિયાળાની સિઝનના લઘુતમ તાપમાનના રેકોર્ડ અનેક જગ્યાએ નવા સ્થપાયા છે. સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન માત્ર 5.9 ડિગ્રી નોંધાયું છે. 71% ભેજ અને 8 કીલોમીટર ની ઝડપે ફુકાતા ટાઢા બોળ પવનના કારણે ઠંડીની તીવ્રતા અનેક ગણી વધી ગઈ છે. આવી જ રીતે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 4.8 ડિગ્રી નોધાયું છે. નલિયામાં શિયાળાની ચાલુ સીઝનમાં આ સૌથી નીચું તાપમાન છે.
અમરેલીમાં તાપમાન 8.6 ડીગ્રી
અમરેલીમાં પણ આજે સૌથી નીચા તાપમાનનો શિયાળાની ચાલુ સિઝનનો રેકોર્ડ સ્થાપિત થયો છે. અમરેલીમાં આજે લઘુતમ તાપમાન 8.6 ડીગ્રી નોંધાયું છે. ગઈકાલની સરખામણીએ સામાન્ય ફેરફાર છે પરંતુ ૯ ડિગ્રી નીચે તાપમાન પ્રથમ વખત સરકી ગયું છે. અમરેલીમાં ગઈકાલનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી હતું.
રાજકોટમાં એકાદ ડિગ્રીનો ઘટાડો
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયા પછી આજે તેમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી રહેવા પામ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10.8 અને ડીસામાં 10.1 ડિગ્રી આજે લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. આ બંને શહેરોમાં ગઈકાલે લઘુતમ તાપમાન અનુક્રમે 12 અને 12.3 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 13.8 ભુજમાં 11.2 દ્વારકામાં 14.2 કંડલામાં 11.9 ઓખામાં 17.5 પોરબંદરમાં 12.5 વેરાવળમાં 16.3 સુરતમાં 15 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી જવા પામ્યું છે. બરોડામાં 90 દમણમાં 88 ડીસામાં 87 કંડલામાં 71 નલિયામાં 88 રાજકોટમાં 76% ભેજ આજે સવારે નોંધાયો છે.