શિયાળાની સીઝનનો મોટાભાગનો ગાળો પૂરો થયો છે પરંતુ આમ છતાં ગુજરાતમાં હજુ સુધી એક પણ વખત કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી નથી. આજે અને આવતીકાલે કચ્છમાં બે દિવસ માટે કોલ્ડ વેવ કન્ડિશન સર્જાશે તેવી ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ સીઝનમાં પ્રથમ વખત આપવામાં આવી છે. બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં પણ કોલ્ડ વેવ માટેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
નલિયામાં આજે લઘુતમ તાપમાન 6 ડીગ્રી
રાજસ્થાનના કોલ્ડ વેવની અસરના ભાગરૂપે કચ્છમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. ગઈકાલની સરખામણીએ આજે નલિયામાં લઘુતમ તાપમાન વધ્યું છે. પરંતુ આમ છતાં બરફીલા પવનને કારણે ઠંડીની તીવ્રતા જળવાઈ રહી છે. નલિયામાં આજે લઘુતમ તાપમાન 6 ડીગ્રી નોંધાયું છે. ભુજમાં આજનું લઘુતમ તાપમાન 8.6 ડિગ્રી રહેવા પામ્યું છે. કંડલામાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે.
અમરેલીનું આજનું લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 6 ડિગ્રી રહ્યું છે. ભવનાથ તળેટીમાં 9 અને જુનાગઢ શહેરમાં ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76% રહ્યું છે. રાજકોટમાં ગઈકાલની સરખામણીએ આજે બે ડિગ્રી જેટલો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે. આજે રાજકોટમાં લઘુતમ તાપમાન 10.3 ડીગ્રી નોંધાયું છે. અમરેલીમાં આજે સિંગલ ડીજીટમાં લઘુતમ તાપમાન રહ્યું છે. અમરેલીનું આજનું લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી છે.
ભાવનગરમાં 13.8 ડિગ્રી
ભાવનગરમાં 13.8, દ્વારકામાં 14.2, ઓખામાં 17.3, પોરબંદરમાં 15.4, વેરાવળમાં 18.4, સુરતમાં 14.4, અમદાવાદમાં 14.8, વડોદરામાં 14.2, ડીસામાં 11.3 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 70 થી 80% આસપાસ રહેતું હોય છે અને તેના કારણે લઘુતમ તાપમાન ઓછું હોવા છતાં ઠંડીની તીવ્રતા બરફીલા પવનના કારણે અને ભેજવાળા વાતાવરણના કારણે વધી જતી હોય છે.