BREAKING NEWS

રાજકોટમાં SIR 100 ટકા પૂર્ણ થયાની કલેક્ટરની જાહેરાતઃ ૮૮,૮૨૦ મતદારો મૃત અને ૬૪,૭૧૦ સ્થળ પર ન મળી આવ્યા

  • December 09, 2025 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર અને જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશના સઘન માર્ગદર્શન હેઠળ મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. ૨૦,૪૬,૦૯૦ મતદારોનું ઇએફ તથા ૩,૪૪,૯૩૭ મતદારોનું એબસન્ટ, શિફ્ટેડ, ડેથ લિસ્ટમાં ડિજિટાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તા.૨૭ ઓક્ટોબરથી ૨૦૨૫ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલ સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝનની કામગીરી તા. ૧૧ ડિસેમ્બર૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની ૮ વિધાનસભા મત વિસ્તારનાં બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા તા. ૪ નવેમ્બર ૨૦૨૫થી ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ (ઇન્યુમેરેશન ફોર્મ-ઇએફ)નું વિતરણ તેમજ ભરેલા ફોર્મનું સંકલન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં ૨૨૫૬ મતદાન મથકોનાં બીએલઓ તેમજ બીએલએની સખત મહેનતથી કુલ ૨૩,૯૧,૦૨૭ મતદારોની ઘરે-ઘરે ચકાસણી કરી ઈ.એફ. (ગણતરી ફોર્મ) ભરાવવામાં આવેલ છે અને તેનું બી.એલ.ઓ એપમાં ડિજીટાઈઝેશન કરવામાં આવ્યું છે. મતદારોની ડોર ટુ ડોર ખરાઈ દરમિયાન ૨૦,૪૬,૦૯૦ એટલે કે ૮૫.૫૭ ટકા મતદારોનું ઈ.એફ. ડીજીટાઈઝેશન કરવામાં આવ્યુ છે. આ નામોની વિશેષ ખરાઈ કરી બી.એલ.ઓ. દ્વારા તેઓનું વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીના સંદર્ભમાં મેપિંગ પણ કરવામાં આવ્યું છે. આ પૈકી ૩,૦૫,૦૭૩ મતદારોએ ૨૦૦૨ની મતદાર યાદી સંદર્ભે બી.એલ.ઓ. સમક્ષ પૂરાવાઓ પૂરા પાડેલ નથી. જેઓની વિશેષ ખરાઈ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આ મતદારોએ કમિશનના જણાવ્યા અનુસારના પૂરાવાઓ પોતાના બી.એલ.ઓ.ને તાત્કાલિક પૂરા પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ યાદી મતદારોના સંબંધિત ભાગના બી.એલ.ઓ. તથા બી.એલ.એ.ની પાસે પણ ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદારોને પોતાના નામની ખરાઈ માટે આ યાદીઓની ચકાસણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તા.૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મતદાર યાદીનો પ્રાથમિક મુસદ્દો તમામ મતદાર મથકો પર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે આ એ.એસ.ડી. યાદીનાં મતદારોના નામો મતદાર યાદીમાં સામેલ કરવામાં આવેલ નહીં હોય. જેથી આવા મતદારોને પોતાનું નામ યાદીમાં ચકાસી તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાનું ગણતરી ફોર્મ (ઈ.એફ.) બી.એલ.ઓ.ને જમા કરાવવા ખાસ અનુરોધ કર્યો છે. વધુમાં, જે મતદારોનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં મળી આવેલ નથી તેઓએ પોતાના બી.એલ.ઓ.ને જરૂરી પૂરાવાઓ તાત્કાલિક ધોરણે જમા કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.


રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. ઓમપ્રકાશે એસ.આઈ.આર. ઝુંબેશમાં સામેલ તમામ બૂથ લેવલ ઓફિસર્સ, બી.એલ.એ, સુપરવાઈઝર્સ, ઈ.આર.ઓ.ની આ તકે સુંદર કામગીરી બદલ સરાહના કરી હતી.​​​​​​​


૩,૪૪,૯૩૭ મતદારોનું એબસન્ટ, શિફ્ટેડ, મૃતક લિસ્ટ

મતદારોની ચકાસણી દરમિયાન કુલ ૮૮,૮૨૦ મતદારો મૃત જાહેર થયેલ છે. જ્યારે ૬૪,૭૧૦ મતદારો સ્થળ પર મળી આવ્યા નથી. કુલ ૧,૭૧,૮૭૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલા જણાય છે. જ્યારે ૧૦,૩૭૧ મતદારોના નામ મતદાર યાદીમાં બેવડાયેલા જાહેર થયા છે અને ૯,૧૬૦ મતદારો દ્વારા વિગતો જાહેર કરવામાં આવી નથી. આમ, કુલ ૩,૪૪,૯૩૭ મતદારો ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત માલુમ પડેલ છે. આવા એ.એસ.ડી. ( એબસન્ટ, શિફ્ટેડ, ડેથ) વર્ગનાં મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, રાજકોટ દ્વારા rajkot.nic.in તથા rajkot.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application