BREAKING NEWS

હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાના પુત્રએ જિ.પં.ની લોધિકા બેઠક પર ભાજપમાંથી દાવેદારી નોંધાવી, કહ્યું- 90 ટકા ટિકિટ ફાઈનલ જ છે

  • April 03, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, જેઓ પોતાના જોક્સ અને અનોખી શૈલીથી લાખો લોકોના દિલ જીતી ચૂક્યા છે, હવે તેમના પુત્ર રાજકીય મેદાનમાં નસીબ અજમાવવા તૈયાર થયા છે. દિલીપ સરવૈયાએ રાજકોટ જિલ્લા પંચાયતની ૧૯-લોધિકા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની પ્રબળ દાવેદારી રજૂ કરી છે.


વર્ષ ૨૦૧૦થી ભાજપમાં સક્રિય કાર્યકર્તા

દિલીપ સરવૈયા ભલે પ્રથમ વખત ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોય, પરંતુ તેઓ રાજકારણમાં નવા નથી. તેઓ વર્ષ ૨૦૧૦થી ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તબદ્ધ અને સક્રિય કાર્યકર્તા તરીકે પાયાનું કામ કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "મેં અત્યાર સુધી ક્યારેય ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી નહોતી. આ મારો પ્રથમ પ્રયાસ છે અને મને મારા પિતા ધીરુભાઈનો પૂરો સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યું છે."


પાણી અને ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલવાનું વિઝન

લોધિકા પંથકની સમસ્યાઓ વિશે વાત કરતા દિલીપ સરવૈયાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં મુખ્યત્વે પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો લાંબા સમયથી છે. આ ઉપરાંત, લોધિકા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવતી હોવાથી ત્યાંના સ્થાનિક ઉદ્યોગો અને શ્રમિકોને લગતા કેટલાક પડકારો પણ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જો પાર્ટી મને તક આપશે, તો લોધિકાના પાયાના પ્રશ્નો ઉકેલવા એ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. મારું વિઝન છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય.


જ્ઞાતિના સમીકરણો અને જીતનો વિશ્વાસ

લોધિકા બેઠક પર જ્ઞાતિવાદના સમીકરણો હંમેશા મહત્વના રહ્યા છે. આ બેઠક પર પટેલ સમાજ, ભરવાડ સમાજ અને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના મતદારોનું પ્રભુત્વ છે. દિલીપ સરવૈયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમને દરેક જ્ઞાતિ અને સમાજનું સમર્થન મળશે.


ટિકિટ મળવા અંગે તેમણે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, મારા કામ અને સમર્પણને જોતા મને લાગે છે કે ટિકિટ મળવાનું ૯૦ ટકા ફાઈનલ છે, પરંતુ અંતિમ નિર્ણય તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જ લેશે. પાર્ટી જે પણ જવાબદારી સોંપશે, તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ."


લોકપ્રિયતાનો લાભ મળશે?

ધીરુભાઈ સરવૈયાની લોકપ્રિયતા આખા ગુજરાતમાં ફેલાયેલી છે. ત્યારે તેમના પુત્ર જ્યારે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે, ત્યારે આ સેલિબ્રિટી ફેક્ટર ભાજપને કેટલો ફાયદો કરાવે છે તે જોવું રસપ્રદ રહેશે. લોધિકાની જનતા હવે એક નવા અને યુવા ચહેરાને સ્વીકારવા તૈયાર છે કે કેમ, તેનો ફેંસલો આગામી સમયમાં આવશે.


હાલ તો દિલીપ સરવૈયાની દાવેદારીએ રાજકોટ જિલ્લા ભાજપમાં ભારે ચર્ચાઓ જગાવી છે. અન્ય દાવેદારો વચ્ચે દિલીપભાઈનું નામ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયું છે, ત્યારે ટિકિટ કોના નસીબમાં જશે તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application