જામનગરમાં સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો અને રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે બનેલો ફલાય ઓવર બ્રિજ લોકોની શાનસમો બની ગયો છે, છેલ્લા ૧૫ દિવસમાં રોશનીવાળા ફલાય ઓવરની રીલ સોશ્યલ મીડીયામાં આવી છે, પરંતુ સીએમના હસ્તે ઉદઘાટન થયા બાદ ૨૪ કલાકમાં જ બ્રિજની પારાપેટ અને અન્ય સ્થળોએ પાનની પીચકારી મારીને આ બ્રિજને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી. આ બ્રિજ ઘરેણાસમાન છે ત્યારે લોકોને પણ પાન-મસાલાની પીચકારી ન મારવા તેમજ ગંદકી ન કરવા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ અપીલ કરી છે.
આજકાલ સાથેની વાતચીતમાં મ્યુ.કમિશ્નરે જણાવ્યું હતું કે, બ્રિજનું ઉદઘાટન થયા બાદ થોડા કલાકોમાં જ મે ફલાય ઓવરની મુલાકાત લીધી હતી ત્યારે હું પણ ચોંકી ગયો હતો, બ્રિજની પારાપેટ પર ઠેર-ઠેર પાનની પીચકારી જોવા મળી હતી જે ખુબ જ શરમજનક છે, એટલું જ નહીં કેટલાક સ્થળોએ ગુટકાના કાગળો પણ નાખેલા જોવા મળ્યા હતાં.
આ તકે હું જામનગરવાસીઓને વિનંતી કરૂ છું કે, ખાસ કરીને આ બ્રિજને ચોખ્ખો રાખો અને પીચકારી ન મારવા તેમજ જો આ બધુ થતું રહેશે તો તમારે ટેકસ વધુ ચુકવવો પડશે, તમારા જ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે ત્યારે બ્રિજ પર રોંગસાઇડમાં મુસાફરી ન કરવા પણ મારી જામનગરવાસીઓને ખાસ અપીલ છે, એટલું જ નહીં આ ફલાય ઓવર પર વાહન પણ ધીમેથી ચલાવવા અને અકસ્માત ન થાય તેનું ઘ્યાન રાખવા હું બધાને વિનંતી કરૂ છું.