રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મિલકતવેરાના બાકીદારો સામે લાલ આંખ કરી છે અને રૂ.પાંચ હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા તમામ બાકીદારોના નામ રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૭૮ મિલકતો સીલ કરી ૪.૯૨ કરોડની રિકવરી કરવામાં આવી હતી.
રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાકી મિલકત વેરા સામે રિકવરી ડ્રાઈવ યોજી એક દિવસમાં ૩૭૮ મિલકત સીલ કરવામાં આવી હતી. જ્યારે વર્ષોથી વેરો બાકી હોય તેવી ૪૮૫ મિલકતોનો બાકી વેરો રૂ.૪.૯૨ કરોડ વસૂલ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની હદ્દમાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકૃત રેકર્ડ પર નોંધાયેલ રહેણાંક, વ્યાવસાયિક, ઔદ્યોગિક તેમજ અન્ય કેટેગરીની મિલ્કત ધરાવતા તમામ મિલ્કતધારકોને આથી જાણ કરવામાં આવે છે કે, જે મિલ્કતધારકો દ્વારા મિલકત વેરા તથા પાણી ચાર્જીસ પેટે રૂ.૫,૦૦૦ કે તેથી વધુ રકમ બાકી છે, તેવા બાકીદાર મિલ્કતધારકોની યાદી તથા તેમની સામે ભરપાઇ કરવા પાત્ર બાકી રકમની વિગત રાજકોટ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ www.rmc.gov.in પર જાહેર કરવામાં આવેલ છે. આ યાદીમાં સમાવિષ્ટ બાકીદાર મિલ્કતધારકોને સૂચના આપવામાં આવે છે કે તેઓ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી પોતાની મિલ્કત સંબંધિત બાકી રકમની ચોક્કસ વિગતો મેળવી, મિલકત વેરા તથા પાણી ચાર્જીસની બાકી રહેતી તમામ રકમ સત્વરે અને તાત્કાલિક ભરપાઇ કરે તેવો અનુરોધ કરવામાં આવે છે.
જો બાકીદાર મિલ્કતધારકો દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં બાકી રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો, રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૧૨૮ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી અંતર્ગત સંબંધિત મિલ્કતોને સીલ કરવી, પાણીનું નળ કનેકશન કપાત કરવું, તેમજ બાકી રકમની વસુલાત અર્થે મિલ્કતની હરરાજી કરવા સુધીની કડક કાર્યવાહી આગામી સપ્તાહથી હાથ ધરવામાં આવશે. આવી કાર્યવાહીથી થનારી કોઈપણ અસુવિધા માટે સંબંધિત બાકીદાર મિલ્કતધારક પોતે જ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
જુદી-જુદી મિલકત વેરા તથા પાણી ચાર્જીસની બાકી રકમની ભરપાઇ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ છે. બાકીદાર મિલ્કતધારકો ઓનલાઈન માધ્યમ, નજીકની વોર્ડ ઓફિસ, સિટી સિવિક સેન્ટર તેમજ સંબંધિત ઝોન ઓફિસ ખાતે જઈને સહેલાઇપૂર્વક બાકી રકમ ભરપાઇ કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા તમામ નાગરિકોને શહેરના સર્વાંગી વિકાસ, સુવ્યવસ્થિત નાગરિક સેવાઓ અને આવનારા વિકાસકાર્યોમાં સહયોગ આપવા માટે મિલકત વેરા તથા પાણી ચાર્જીસની સમયસર ચુકવણી કરવા અનુરોધ કરે છે અને બાકીદાર મિલ્કતધારકોને આ જાહેર સૂચનાને ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક બાકી મિલકત વેરો તથા પાણી ચાર્જીસ ભરપાઈ કરવા સુચના આપવામાં આવે છે.