જામનગરમાં મુદ્રા લોનની સબસીડી મંજુર કરવા માટે બેન્કના અધિકારીઓ દ્વારા ૪૦ હજારની લાંચની માંગણી ગત વર્ષમાં કરવામાં આવી હતી, જેમાં એસીબી દ્વારા લાંબા સમય બાદ પંજાબ નેશનલ બેન્કના તત્કાલીન ઓફીસર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને એક વચેટીયા વિરુઘ્ધ ડીમાન્ડ કેસ દાખલ કરવામાં આવ્યો છે, આશરે પોણા બે વર્ષે લાંચના નિષ્ફળ છટકાની ફરીયાદ થતા ચકચાર વ્યાપી છે.
આ કામે સાહેદ-નિષ્ફળ છટકાના ફરીયાદી પાસે તેની પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લીધેલ લોનની સબસીડી મંજુર કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત સંજયએ પોતાના તથા આક્ષેપીત મનોહરપ્રસાદ વતી રૂ.૪૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ તેમજ લાંચના છટકા દરમ્યાન આક્ષેપીત સંજય તથા મનોહરપ્રસાદ વતી આક્ષેપીત ગીરીશ સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી)ને જામનગર બજરંગ હોટલ ખાતે રૂબરૂ મળી તેની લોનની સબસીડી મંજુર થઇ જશે તેવી વાતચીત કરી લાંચની રકમ માંગેલ પરંતુ પોતાને કોઇ શક-વહેમ જતા સાહેદ-ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકાર્યા વગર જતો રહયો હતો.
જે અન્વયે કરવામાં આવેલ ખુલ્લી તપાસના અંતે આ કામના આક્ષેપીત બેન્કના અધીકારીઓએ વચેટીયાએે પોતાના અંગત ફાયદા માટે પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી) પાસેથી ૪૦,૦૦૦નો અનુચીત લાભ મેળવવા લાંચની માંગણી કરી ગુન્હો કર્યો હતો.
એસીબી દ્વારા આ ડીમાન્ડ કેસમાં રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના સુપરવીઝન હેઠળ સરકાર તરફે ફરીયાદ આપનાર અધિકારી આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ જામનગર એ.સી.બી. પો.સ્ટે. રહયા હતા. જેમાં આરોપીઓ તરીકે સંજય રાજકુમાર મીના, બેંક ઓફીસર, રણજીતરોડ શાખા, પંજાબ નેશનલ બેંક, જામનગર (હાલ-જામખંભાળીયા શાખા, જી.દેવભૂમિ દ્વારકા) તથા ગીરીશ અરશીભાઈ ગોજીયા, રહે.જામનગર (પ્રજાજન) તેમજ મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય, બ્રાંચ મેનેજર, રણજીતરોડ શાખા, પંજાબ નેશનલ બેંક, જામનગર (હાલ-બેનરઘટ્ટા શાખા, બેંગ્લોર)નો સમાવેશ થાય છે. આ લાંચનું છટકુ ગત તા. ૧૩-૨-૨૪ના રોજ જામનગર ખંભાળીયા નાકા પાસે, પંજાબ નેશનલ બેંક, રણજીત રોડ શાખા તથા બજરંગ હોટલ પાસે ગોઠવવામાં આવ્યુ હતું જે છટકુ નિષ્ફળ રહયુ હતું તેમ આ અંગેની ડીમાન્ડ કેસની ફરીયાદમાં એસીબી દ્વારા જણાવાયું છે.