BREAKING NEWS

રાજકોટમાં ATM માં ૧૦ લાખ લોડ ન કરાવી CMSનો કર્મચારી ઓળવી જતા ફરિયાદ

  • January 10, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં ATM માં રૂપીયા લોડ કરવાના રૂ.૧૦ લાખ કર્મચારીએ કંપનીને પરત ન કરી ઓળવી જતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. એસબીઆઈ બેંકના એટીએમમાં રૂપીયા લોડ કરવાનું કામ કરતી કંપની CMS ના કર્મીએ બેંકમાંથી રૂ.૧.૩૦ કરોડ મેળવ્યા, જંકશન પ્લોટના ATM માં રૂ.૨૯ લાખ જમા કરાવ્યાં બાદમાં બાકીના રૂ.૧.૦૧ કરોડમાંથી ફક્ત ૯૧ લાખ જમા કરાવી કંપનીને ચુનો ચોપડી દિધો હતો.


બનાવ અંગે રાજકોટમાં જામનગર રોડ પર આવેલ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં ગોપાલસિંહ પ્રધુમનસિંહ ઝાલા (ઉ.વ.૪૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર પરસોતમ દેવળીયા (રહે.મૂળ વેરાવળ સિવિલ હોસ્પિટલની સામે, હાલ રહે. ઓમનગર શેરી ખોડીયાર હોટલ પાસે, રાજકોટ) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.


વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમા સીએમએસ કંપનીમા મેનેજર તરીકે ગઈ તા.૧૫ થી જોડાયેલ છે. કંપનીનુ કામ દરેક બેંક સરકારી અને પ્રાઇવેટ બેંકમાંથી રૂપીયા લઈ તે રૂપીયા જેતે બેંક ના એટીએમ મશીનમા લોડ કરવાનું તથા લોડ થયેલ રૂપીયા બેંકમા જમા કરવાનું હોય છે. કંપનીની ઓફીસ એરપોર્ટ ફાટક પાસે બીઓબી સોસાયટીમા જૈન દેરાસરની બાજુમાં આવેલ છે.


કંપનીના કર્મચારી સાગર દેવળીયા ૨૦ દિવસથી મહેસાણા બ્રાંચમાં કસ્ટોડીયલ તરીકે નોકરી કરે છે. રાજકોટ ઓફીસે ગઈ તા.૦૨ ના આવેલ છે, જેનો માસીક પગાર રૂ. ૧૧,૫૦૦ આપવામાં આવે છે. ગઈ તા.૦૨ ના એસબીઆઈ બેંક મેઇન બ્રાન્ચમાંથી રૂ. ચાર કરોડ બપોરે ચારેક વાગ્યે મેળવેલ હતા. ત્યારે બેંકમા નાણા સ્વીકારનાર તરીકે પૃથ્વીરાજ બારોટ અને સાહીલ ઘાચીની સહી કરેલ અને બાદમાં આ બેંકના પાર્કીંગમા રૂપીયાના બે ભાગ પાડેલ હતા. તે બન્નેએ રૂપીયા લઈ બેંકના અલગ અલગ ATM મા રૂપીયા લોડ કરવાના હતા. જેમાં રૂટ પ્રમાણે બે ભાગ પાડેલ હતા.


પહેલા રૂટમા રોકડા રૂ. ૨.૭૦ કરોડ હતા, જેમાં પાંચ વ્યક્તિઓ ટાટા યોદ્ધા વાહન નં. GJ-01-LT-0798 માં નિકળેલ હતાં. તેઓએ ૨૪ ATM મા રૂપીયા જમા કરવાના હતા, પરંતુ ગઈ તા.૦૨ ના રોજ ક્રીસ્ટલ મોલ પાસેના ATM મા રૂ.૯ લાખ જમા થયેલ અને બીજા ૨.૬૧ કરોડ પરત કંપનીની ફીસે જમા કરાવેલ હતા.


તેમજ બીજા રૂટમાં રૂ. ૧.૩૦ કરોડ કરવાના હતા. બીજા રૂટમાં બોલેરો વાહન નં. GJ-03-AV-9565 માં ચાર વ્યક્તિઓ જેમા ડ્રાઇવર પાર્થભાઈ નિમાવત, સીક્યુરીટી ગાર્ડ રાજૈન્દ્રસિંહ રાઠોડ, કસ્ટોડીયન સાગરભાઈ દેવળીયા અને સાહીલ ઘાચીની નોકરી હતી. તેઓના વાહન બોલેરોના ગેરમા કોઈ પ્રોબ્લેમ આવેલ અને વાહન બરાબર ચાલતુ ન હોય જેથી તેઓ રૂપીયા ભરેલ ગાડી લઈ ઓફીસે આવેલ અને તેઓએ ત્યાં હાજર ડ્રાઇવર સુપરવાઈઝર આરીફભાઈ પરમારને ગાડી બદલી આપવા જાણ કરતાં તેઓને બીજી ગાડી ટાટા યોદ્ધા વાહન નં-GJ-01-JT-5726 આપેલ હતી.


બીજા વાહનમાં કસ્ટોડીયન તરીકે રહેલ સાગરભાઈ દેવળીયા અને સાહીલ ઘાચીની જવાબદારીથી એક વાહનમાંથી બીજા વાહનમાં રૂપીયા ટ્રાન્સફર કરવાના હોય અને બાદમાં બીજી ગાડીમાં રૂપીયા લઈ આ લોકો એસબીઆઈ બેંકની યાદી મુજબ કુલ ૧૪ ATM મશીનમાં રૂપીયા જમા કરવાં નિકળી ગયેલ હતા. તેઓ જંકશન પ્લોટ મેઇન રોડ રેલ્વે ગાર્ડ રેસ્ટ રૂમની સામે આવેલ એટીએમ મશીનમાં અનુક્રમે ૧૩ લાખ, ૧૬ લાખ મળી કુલ ૨૯ લાખ લોડ કરેલ અને બાદમાં આ વાહન ઓફીસે એરપોર્ટ ફાટક પાસે ૫રત આવી ગયેલ અને તેમા બાકી રહેલ રૂ. ૧.૦૧ કરોડ સાગર દેવળીયા તથા સાહીલ ઘાચીની જવાબદારીથી ઓફીસે જમા કરવાના હતા.


તેમાંથી રૂ.૯૧ લાખ સાગર દેવળીયાએ જમા કરાવેલ હતા. બાકીના ૧૦ લાખ જમા કરેલ નહી. બીજા દીવસે તા.૦૩ ના કંપનીના રીપોટીગ પર્સન નમનભાઈ સોનીએ ઓફીસના કોમ્યુટર ડેટામાં તપાસ કરતા ઓફીસમાં રૂપિયા ૧૦ લાખની રકમ ઓછી જમા થયેલ હોય, જેથી આ બાબતે તપાસ કરતા સાગર દેવળીયાએ ઓછી રકમ જમા કરાવી બાકીની રકમ રૂ. ૧૦ લાખ ઓળવી જતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એસ.બી.જાડેજા અને ટીમે તપાસ આદરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application