રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ નેહા સિંહ રાઠોડ સામે ફરિયાદ

  • April 28, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ અંગે છે, જેમાં તેમણે તાજેતરમાં પહેલગામ હુમલા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ એફઆઈઆર કવિ અભય પ્રતાપ સિંહ ઉર્ફે અભય સિંહ નિર્ભિક દ્વારા દાખલ કરવામાં આવી છે.


ફરિયાદમાં જણાવાયું છે કે નેહા સિંહ રાઠોડે તેના ટ્વિટર હેન્ડલ પરથી ઘણી વાંધાજનક પોસ્ટ વહેતી કરી હતી, જેમાં રાષ્ટ્રીય અખંડિતતાને પ્રતિકૂળ અસર કરવાનો અને ધર્મ અને જાતિના આધારે અન્ય સમુદાય વિરુદ્ધ ગુનાને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે રાઠોડ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પર પ્રશ્નો ઉઠાવીને સમાજમાં સતત અસ્થિરતા ફેલાવી રહ્યા છે.એફઆઈઆરમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નેહા સિંહના ટ્વીટ પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યા છે, અને ત્યાંના મીડિયામાં તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં તેમના નિવેદનોનો ઉપયોગ ભારત વિરુદ્ધ થઈ રહ્યો છે.


નેહા સિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં 196(1)(a), 196(1)(b), 197(1)(a), 197(1)(b), 197(1)(c), 197(1)(d), 353(1)(c), 353(2), 302, 152 અને IT એક્ટની કલમ 69Aનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નેહા સિંહ રાઠોડના નિવેદન અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોએ દેશભરમાં હોબાળો મચાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો ફેલાયો છે. લોકો પાકિસ્તાનની સખત નિંદા કરી રહ્યા છે. વિપક્ષી પક્ષોએ પણ સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો છે અને આતંકવાદનો પર્યાય બની ગયેલા પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તે જ સમયે, કેટલાક વર્ગો એવા છે જે આ ઘટના માટે સરકારની ટીકા કરી રહ્યા છે.


નેહા સિંહ રાઠોડે શું લખ્યું હતું?

નેહા સિંહ રાઠોડે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સરકારની ભૂલ ગણાવી છે. તેમણે સરકારની કઠોર શબ્દોમાં ટીકા કરી અને કહ્યું કે આ ઘટનાનો બિહાર ચૂંટણીમાં રાજકીય ઉપયોગ કરવામાં આવશે. તેમના નિવેદનની પાકિસ્તાનના લોકો, તેના નેતાઓ અને સરકારી એજન્સીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર, તેમના નિવેદનનો ઉપયોગ ભારત પર હુમલો કરવા માટે 'હથિયાર' તરીકે કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application