BREAKING NEWS

જામનગરમાં આજે કોંગીના ૩ નગરસેવક પહેરશે ‘આપ’ની ખેંસ

  • December 05, 2025 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગઇકાલે કહ્યા મુજબ જામનગરમાં આજે કોંગ્રેસના ૩ નગરસેવક અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરશે, કોંગીનો ત્યાગ કરશે, એક માજી નગરસેવક અને વોર્ડ નં.૧૨ના લગભગ હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસને બાય-બાય કહીને આપમાં પ્રવેશ મેળવશે, આજનો આ કાર્યક્રમ જામ્યુકોના રાજકારણમાં ભવિષ્યમાં આમુલ પરીવર્તન લાવનાર સાબીત થઇ શકે છે. 



ધારાસભ્ય હેમત ખવા અને ગોપાલ ઇટાલીયા દ્વારા અહીંના ટાઉનહોલ ખાતે આજે કાર્યક્રમ યોજાવાનો છે, જેનો અહેવાલ ગઇકાલે પ્રસિઘ્ધ કરાયો હતો, વધુમાં એવું જાણવા મળ્યું હતું કે, આજના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઇશુદાન ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે, એમની સાથે આપના જામનગરના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના શહેર-જિલ્લાના હોદેદારો પણ હાજર રહેશે. 



મહાપ્રભુજીની બેઠકથી એક રેલી શરૂ થશે જે નગરસેવકના કાર્યાલયે પહોંચશે જયાં કોંગીના બેનર હેઠળ ચૂંટાયેલા અને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરાયેલા પૂર્વ વિપક્ષી નેતા અસલમ કરીમ ખીલજી તેમજ કોંગીના નગરસેવિકાઓ ઝૈનબબેન ખફી, ફેમીદાબેન જુણેજાને આપના વરિષ્ઠ આગેવાનો ખેંચ પહેરાવીને સતાવાર રીતે પક્ષમાં પ્રવેશ આપશે, અત્રે નોંધનીય છે કે, ઝૈનબબેન ખફી બે દિવસ પહેલા રાજીનામુ આપી ચૂકયા છે અને નગરસેવિકા ફેમીદાબેનને પણ કોંગી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાજી રીઝવાન જુણેજા કે જેઓ કોંગીના પૂર્વ નગરસેવક છે એમને પણ આજે આપમાં પ્રવેશ આપવામાં આવશે. 



જામનગર મહાનગરપાલીકાની ચૂંટણી પહેલા ખાસ કરીને વોર્ડ નં.૧૨માં જે આ બદલાવ થઇ રહ્યો છે તે કોઇ નાનો-સુનો ફેરફાર નથી, પરંતુ લગભગ ફેબ્રુઆરીમાં થનારી મહાનગરપાલીકાની ચૂંટણીના સમગ્ર ચિત્રને બદલી નાખવા નીમીત બની શકે છે. 


કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી જુથવાદ વકર્યો છે, જો કે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને વર્તમાન હોદેદારો સબ સલામત હોવાની રાજકીય પીપુડી વગાડતા ચુકતા નથી પરંતુ કોંગ્રેસની વાસ્તવીક સ્થિતિ શું છે તેનાથી હરકોઇ વાકેફ છે. 



સ્થાનિક કોંગીની પાંખની વાત દુર રહી, કોંગ્રેસની પ્રદેશની પાંખ પણ પોતાની આંખ જાણે બંધ કરીને બેઠી હોય એવું ચિત્ર ઉપસતું દેખાય છે, કારણ કે પોતાના ગઢ જેવા વોર્ડમાંથી શકિતશાળી નગરસેવકો કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા હોવાની વાત સો ટકા એમના સુધી પહોંચી ગઇ હશે, પરંતુ કોંગ્રેસ તરફથી કોઇ ડેમેજ ક્ધટ્રોલ કરવામાં નથી આવ્યું તે નરી આંખે જોઇ શકાય છે. 


એક તો આમ પણ કોંગ્રેસની હાલત રાજકીય હોસ્પિટલના વેન્ટીલેટર પર હોવા જેવી છે, સંગઠનની સંખ્યા દિન-પ્રતિદિન વધવાના બદલે ઓછી થતી હોવાનું એમના દ્વારા અપાતા વિરોધના કાર્યક્રમો પરથી જોઇ શકાય છે. બીજી તરફ મહાનગરપાલીકામાં એક સમયે મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ સતાધારીઓ માટે ચેલેન્જસમાન બનતી હતી એ પણ લગભગ સમાપ્ત જેવું થઇ ગયું છે, છતાં કોંગીના ગુજરાતના અને કેન્દ્રના નેતાઓ કઇ ઉંઘમાં છે તે સમજવું ખરેખર મુશ્કેલ છે. 

​​​​​​​

આ પક્ષમાં પ્રદેશના અને કેન્દ્રના વડા નેતાઓ ખરેખર સમયે શું કામ એકટીવ થતા નથી ? એ બાબત પણ એમની પોતાના જ પક્ષ સાથેની વિશ્ર્વસનીયતા ઉપર પણ મોટો સવાલ સર્જે છે, જોઇએ આજે કોંગીના એક નગરસેવક, બે નગરસેવિકા અને કોંગીના જ એક પૂર્વ નગરસેવકનો આપમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે કોંગી તરફથી શું પ્રતિક્રિયા આવે ​​​​​​​છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application