રાજકોટ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે એસ.આઇ.આર કામગીરી અંતર્ગત ફોર્મ નંબર ૭ મુદ્દે એક આવેદન આપી ન્યાયિક તપાસ અને જવાબદારો સામે કડક પગલાં ભરવા બાબતે કલેકટર ડો. ઓમ પ્રકાશ સમક્ષ એક રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોએ સત્તા પક્ષ ભાજપ, કલેકટર સહિત વહીવટી તંત્ર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. દરમિયાન કલેકટર કચેરીએ થોડી ગરમાગરમીનો માહોલ પણ સર્જાયો હતો. કલેકટરે કોંગ્રેસની રજૂઆત સાંભળી ન્યાયિક તપાસની ખાતરી આપી હતી.
સમગ્ર ગુજરાતમાં એસ.આઇ.આર કામગીરી ચાલી રહી છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા અનેવાર ગંભીર આક્ષેપો સાથે કલેકટર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન નામ કમી માટેના ફોર્મ નંબર ૭ હજારોની સંખ્યામાં દાખલ કરવામાં આવ્યા છે, જે પ્રથમ દૃષ્ટિએ જ ખોટા, બનાવટી અને પૂર્વનિયોજિત જણાઈ આવે છે. આ સમગ્ર ઘટના માત્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્ન ઊભો કરતી નથી, પરંતુ ભારતના બંધારણ દ્વારા સુરક્ષિત મતાધિકાર પર સીધો હુમલો છે. તેમજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ બલ્કમાં ફોર્મ ૭ સ્વીકાર્ય નથી, તેમ છતાં ઇઆરઓ દ્વારા યોગ્ય ચકાસણી વિના આ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાની આશંકા છે. ગ્રામ્ય અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ કાઢવાની કોશિશ સામાજિક ન્યાય અને બંધારણીય સિદ્ધાંતો પર સીધો પ્રહાર છે. જો ન્યાય નહિ મળે તો હાઈ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રજૂઆત સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠીયા, ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ફોર્મ ૭ને લઈને કોંગ્રેસના આક્ષેપો
- એકસરખી અથવા અલગ-અલગ ખોટી સહી
- વ્યક્તિગત વિગતોમાં ચેડા
- સોફ્ટવેર/ઓટોમેટેડ રીતે જનરેટ થયેલા ફોર્મ
- એક જ વ્યક્તિ દ્વારા અનેક ફોર્મ ભરવાના પુરાવા
- બોગસ મોબાઇલ નંબરનો ઉપયોગ
કોંગ્રેસની મુખ્ય માગ
- તમામ શંકાસ્પદ અને બલ્ક ફોર્મ ૭ પર તાત્કાલિક સ્ટે મુકવામાં આવે
- ખોટા ફોર્મ રદ કરવામાં આવે
- સમગ્ર મામલાની ટેક્નિકલ તથા ફોરેન્સિક તપાસ કરાવવામાં આવે
- જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવે
- ખોટી રીતે કાઢી નાખવામાં આવેલા મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે
- ક્યાં અધિકારીએ ફોર્મ સ્વીકાર્યા

કોંગ્રેસના વર્તનથી કલેકટર નારાજ
સૌ પ્રથમ કેમ્પસમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના ગેટ પર અંદર આવવા માટે ધક્કામુક્કી સર્જાઈ હતી. બાદમાં થોડીવાર માટે સુરક્ષા જવાનોએ ગેટ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ આશરે ૨૦ કોંગ્રેસી આગેવાનો કલેકટરની ઓફિસમાં પ્રવેશતા કલેકટર નારાજ થઈ ગયા હતા અને થોડીવાર માટે સામસામી ગરમાગરમી થઈ ગઈ હતી. કલેકટરે નારાજગી સાથે કોંગ્રેસના આગેવાનોને કહ્યું કે, આજે તમે સીધા ઘૂસી ગયા. તમે કલેકટરના દરવાજાને આ રીતે ધક્કો મારી ધૂસી ન શકો. તમારો એટીટ્યુડ ખરાબ છે. આ તકે કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહએ વાતનો સ્વીકાર કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. તેમજ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, અમે વ્યક્તિગત કામ માટે નથી આવ્યા પરંતુ પ્રજા માટે આવ્યા છીએ. જે બાદ રાજદીપસિંહ એ અન્ય કોંગ્રેસી કાર્યકરોને ઠપકો આપી કહ્યું કે શાંતિ રાખો અને ડિસિપ્લિનમાં રહો.
કલેકટરનો જવાબ
કોંગ્રેસની મુખ્ય રજૂઆત પર કલેકટર ડો. ઓમ પ્રકાશએ જવાબ આપતા કહ્યું કે, અમારા માટે ડ્રાફ્ટ રોલ પ્રથમ પ્રાયોરિટી પર છે. ફોર્મ ૭માં જે ફોર્મ સાચા હશે એ જ સ્વીકારશું. તેમજ ખોટા ફોર્મ હશે તો કોઈના નામ કમી થશે નહિ. છત્તા ક્યાંય ખોટું હશે તો કાર્યવાહી પણ કરીશું. હાલમાં 23 લાખ યાદી સાથેની મતદાર યાદી અપડેટ કરી રહ્યા છીએ. હાલમાં જે યાદી છે તે ડ્રાફ્ટ કહેવાય, ફાઇનલ યાદી હવે આવશે. તેમજ જે ભૂલો છે તે ધ્યાને મુખકવા બાબતે તમારો આભાર.