BREAKING NEWS

મહાપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગી નેતા ઇન્દ્રનીલે રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરી

  • March 07, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત રાજ્યભરમાં મહાપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે બરાબર તેવા સમયે રાજકોટના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય તેમજ બ્રહ્મ સમાજના ટોચના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ એકાએક રાજકારણ અને જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃતિની જાહેરાત કરતા રાજકોટના રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસમાં મોટો ખળભળાટ મચી ગયો છે. અલબત્ત ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આ નિર્ણય રાજકીય નહીં પરંતુ સંપૂર્ણ વ્યક્તિગત અને સ્વૈચ્છિક ગણાવ્યો છે.

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી તા.૨૬ જૂન ૨૦૨૬ના રોજ તેમને ૬૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય તેના ત્રણ મહિના પૂર્વે તેમણે રાજકારણ સહિત જાહેર જીવનમાંથી સંપૂર્ણ નિવૃતિ જાહેર કરી છે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ તેમનું પર્સનલ પ્લાનિંગ છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ આ માટે પ્રયત્નશીલ હતા. તાજેતરમાં ફ્રેન્ડ સર્કલ સાથેની ચર્ચામાં આ બાબતનો ઉલ્લેખ કરતા વાત પ્રેસ મીડિયા સુધી પહોંચી હતી.

વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે ૪૦ વર્ષ રાજકારણ અને જાહેર જીવનમાં સક્રિય રહ્યા બાદ હવે તેઓ છેલ્લા ઘણાં સમયથી રાજકીય તેમજ સામાજિક પ્રસંગોમાં પણ જ્વલ્લે જ ઉપસ્થિત રહેતા હતા. છેલ્લા ઘણાં સમયથી લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાને બદલે શુભેચ્છા પત્ર પાઠવી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ તે ક્રમ જાળવી રાખશે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે, રિઅલ એસ્ટેટ સહિતનો કારોબાર પણ હવે તેમના સંતાનો સંભાળશે અને તેમના સંતાનોના પ્રેરકબળ બની રહેશે.

રાજકારણ અને જાહેર જીવનમાંથી નિવૃતિ લીધા બાદ શું કરશો ? તેવા આજકાલ દૈનિકના સવાલના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતું કે નિવૃતિ બાદ હું જીવનનો આનંદ માણીશ. મને કુકિંગનો શોખ છે તેથી અનેક વખત જાતે રસોઇ બનાવી મિત્રોને ભોજન કરાવું છું. મને બોડી બિલ્ડિંગનો શોખ છે તેથી બંગલોમાં જ જિમ બનાવી નિયમિત એક્સરસાઇઝ કરું છું. મને ગાર્ડનિંગનો શોખ છે. અવનવી કાર ડ્રાઇવ કરવાનો શોખ છે. હવે નિવૃત જીવનમાં આ બધા શોખ માટે, પરિવાર માટે અને અંગત મિત્ર વર્તુળ માટે પૂરતો સમય મળી રહેશે.

રાજકોટ શહેરથી લઇ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધીના રાજકારણમાં છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અગાઉ ૬૮-પૂર્વ રાજકોટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય, રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તરીકે કામગીરી કરી ચૂક્યા છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં રાજકોટ શહેર પ્રમુખ તરીકે તેમજ પ્રદેશ કોંગ્રેસમાં વિવિધ હોદ્દા ઉપર અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે. જ્યારે તેમના પિતા સંજયરાજભાઇ રાજ્યગુરૂનું પણ કોંગ્રેસમાં ખુબ જ મોટું યોગદાન રહ્યું છે અને સંજયરાજભાઇ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા હતા. પિતાને પગલે ૨૦ વર્ષની યુવાન વયથી જ રાજકારણમાં પ્રવેશેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચાર દાયકાથી રાજકારણમાં સતત સક્રિય હતા. દરમિયાન આજે તેમણે રાજકારણમાંથી તેમજ જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃતિની જાહેરાત કરતા રાજકોટના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે, ખાસ કરીને હવે ટૂંક સમયમાં જ મહાપાલિકાની ચૂંટણી યોજાનાર છે તેવા સમયે નિવૃતિની જાહેરાત કરતા રાજકોટ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application