૭૮,૭૩૯ની વસતી અને ૫૦,૦૪૧ મતદારો ધરાવતા રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૭માં ભાજપ આ વખતે ઉમેદવારોની પસંદગીમાં સરપ્રાઇઝ આપશે ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ભાજપની સેન્સ પ્રક્રિયામાં વોર્ડના ચાર કોર્પોરેટરોમાંથી વિનુભાઇ ધવા, રવજીભાઇ મકવાણા અને કીર્તિબા રાણા સહિત ત્રણે દાવેદારી નોંધાવી છે. જ્યારે અનામતના રોસ્ટર મુજબ આ વખતે ઓબીસી પુરુષ અનામત આવતા ચોથા મહિલા કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામીએ દાવેદારી નોંધાવી નથી. અલબત્ત, તેમના પતિ ગૌતમભાઇ ગૌસ્વામીએ પોતાની પ્રબળ દાવેદારી રજૂ કરી છે.
વોર્ડ નં.૧૭માં અનામતના નવા રોસ્ટર મુજબ આ વખતે મહિલાઓની બન્ને બેઠક સામાન્ય તેમજ પુરુષોની બે બેઠકમાં એક સામાન્ય અને એક ઓબીસી અનામત આવી છે. વોર્ડના સોશ્યલ એન્જિનિયરિંગ મુજબ આ વોર્ડમાં લેઉવા પાટીદારોની બહુમતી હોય એક ટિકિટ પાટીદારને અપાય છે અને મોટાભાગે તેમાં ભાજપ ધવા પરિવારના કોઇને કોઈ સભ્ય ટિકિટ આપે છે. સૌપ્રથમ હરિભાઇ ધવા, ત્યારબાદ તેમના ધર્મપત્ની, પછી રમેશભાઇ ધવા અને છેલ્લી બે ટર્મથી વિનુભાઇ ધવા આ વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પણ ૫૮ વર્ષીય વિનુભાઇ ધવાએ દાવેદારી નોંધાવી છે.વોર્ડના અન્ય કોર્પોરેટર રવજીભાઇ મકવાણા કડિયા સમાજમાંથી આવે છે અને તેમની પહેલી જ ટર્મ છે પરંતુ તેમને ૬૦ વર્ષ પૂર્ણ થયા હોય ભાજપે નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ તેમને ટિકિટ મળે તેવી સંભાવના ઓછી છે. અન્ય મહિલા કોર્પોરેટર કીર્તિબા રાણાની દાવેદારી છે પરંતુ ક્ષત્રિય સમાજમાંથી આ વખતે આ વોર્ડમાં અનેક દાવેદારો છે. એકંદરે આ વખતે વોર્ડ નં.૧૭ના ઉમેદવારોમાં ભાજપ સરપ્રાઇઝ આપે તો નવાઇ નથી.
અગાઉ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન વેળાએ ભાજપના ગઢ સમાન આ વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડી ત્રણ બેઠક ઝૂંટવી લીધી હતી, તત્કાલિન સમયે ક્રોસ વોટિંગ થતા આ વોર્ડમાં ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા ! પાટીદાર બહુમતીવાળા આ વોર્ડમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી હરકતમાં છે અને ગત ચૂંટણીની જેમ આ વખતે પૂરી પેનલ મેદાને ઉતારનાર હોવાનું જાણવા મળે છે.
વોર્ડના મુખ્ય વિસ્તારો-સોસાયટીઓ
કોઠારીયા રોડ, હરિ ધવા માર્ગ, ઢેબર રોડ, અટીકા, નારાયણ નગર, ગોપાલ નગર, ગાયત્રીનગર મેઇન રોડ, ઢેબર કોલોની ,જૂનો પારડી રોડ, ઘનશ્યામ નગર, આશાપુરા નગર, કિરણ સોસાયટી, સિંદૂરીયા ખાણ, નંદા હોલ, ન્યૂ સુભાષનગર, હુડકો, નહેરુનગર, ૮૦ ફૂટ રોડ, શ્યામ હોલ, બાબરિયા કોલોની, હસનવાડી, ત્રિશુલ ચોક, રાજલક્ષ્મી સોસાયટી
કુલ ૫૦,૦૪૧ મતદારો; જ્ઞાતિનું ગણિત
રાજકીય કાર્યકર્તાઓના પ્રાથમિક સર્વે મુજબ વોર્ડ નં.૧૭માં સૌથી વધુ મતદારો લેઉવા પાટીદાર સમાજના અંદાજે ૧૮ હજાર, કડવા પાટીદાર સમાજના બે હજાર સહિત પાટીદાર સમાજના કુલ ૨૦ હજાર મતદારો, કડિયા સમાજના મતદારો અંદાજે ૧૦ હજાર મતદારો, ક્ષત્રિય સમાજના મતદારો અંદાજે ૪૫૦૦, અન્ય ઓબીસી મતદારો અંદાજે ૧૦ હજાર તેમજ અન્ય વિવિધ સવર્ણ અને ઈતર સમાજ વિગેરેના અંદાજે પાંચેક હજાર મળી કુલ પચાસ હજાર મતદારો છે.
એસઆઇઆરથી ૧૦,૪૪૮ મતદારો ઘટ્યા
રાજકોટ મનપાની ગત ચૂંટણીમાં વોર્ડ નં.૧૭માં ૬૦,૪૮૯ મતદારો હતા, એસઆઇઆર બાદ પ્રસિધ્ધ થયેલી ફાઇનલ મતદાર યાદીમાં વોર્ડ નં.૧૭માં ૫૦,૦૪૧ મતદારો છે, ગત ચૂંટણીની તુલનાએ ૧૦,૪૪૮ મતદારોનો ઘટાડો થયો છે.
ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલી ગત ચૂંટણીમાં વોર્ડ નં.૧૭માં કુલ ૬૦,૪૮૯ મતદારોમાંથી ૩૧,૨૮૬ મતદારોએ મતદાન કરતા ૫૧.૭૨ ટકા મતદાન નોંધાયું હતું.