BREAKING NEWS

રાજાઓ તો બધા મહેલમાં જ રહે, ગ્રાસરૂટની કાંઈ ખબર ન હોયઃ રાજકોટમાં રાકેશભાઈનું વિવાદિત નિવેદન

  • April 05, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાતે પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિન નિમિત્તે એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કાર્યક્રમ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક આચાર્ય રાકેશભાઈએ આપેલા પ્રાસંગિક ઉદબોધનમાં એક વિશિષ્ટ દ્રષ્ટાંત આપ્યું હતું, જે હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.


શું હતું આચાર્યનું નિવેદન?

આચાર્ય રાકેશભાઈએ પોતાના સંબોધન દરમિયાન ‘રાજા અને વજીર’ની એક વાર્તાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "વજીરને તો ખબર હતી કે આ તો શું... રાજાઓ બધા મહેલમાં રહે, તેમને ગ્રાસરૂટ (તળિયાની સ્થિતિ)ની કાંઈ ખબર ન હોય." તેમણે આગળ ઉમેર્યું કે, વજીરને લાગતું હતું કે આ વખતે યોજના બહુ સક્સેસફૂલ (સફળ) નથી થવાની, પરંતુ રાજાની આજ્ઞા હતી એટલે તે દર્પણ (અરીસો) લઈને ગામમાં ગયા.

તેમણે વાર્તાને આગળ વધારતા કહ્યું કે, વજીરે ગામના ચોક વચ્ચે દર્પણની સ્થાપના કરી, ઢોલ પીટાવ્યા અને લોકોને ભેગા કર્યા. ત્યારબાદ લોકોને દર્પણની ખૂબીઓ સમજાવી અને કહ્યું કે, "રાજાની ભલામણ છે કે આનો ઉપયોગ કરજો અને તમારું દુઃખ દૂર કરજો અને સુખી થજો."


મુખ્યમંત્રીની હાજરીમાં આધ્યાત્મિક સંદેશ

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તેમના ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે આધ્યાત્મિક માર્ગે ચાલવા અને સત્સંગનો આશરો લેવા જનતાને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અન્ય સાધુ-સંતો અને મહાનુભાવો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


જોકે, આચાર્ય રાકેશભાઈ દ્વારા આપવામાં આવેલું ‘રાજા મહેલમાં રહે અને તેમને ગ્રાસરૂટની ખબર ન હોય’ તેવું વિધાન કોઈ ચોક્કસ સંદર્ભમાં હતું કે સામાન્ય દ્રષ્ટાંત, તે અંગે લોકોમાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. આધ્યાત્મિક કાર્યક્રમમાં આ પ્રકારના ઉદાહરણનો ઉપયોગ લોકોમાં કુતૂહલ જગાડી રહ્યો છે. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણોમાં વંદન કરી આશીર્વાદ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application