રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકી વેરો વસુલવા માટે બાકીદારોની મિલકત સીલ કરાઇ હોય છે દરમિયાન ચાલુ વર્ષે હાલ સુધીમાં સીલ કરાયેલી અનેક મિલકતો પૈકી ૨૪ મિલકોતના સીલ વેરો ભર્યા વિના જ ખુલી ગયાનું સામે આવ્યાનું વેરા વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.વધારાનું ગેરકાયદે બાંધકામ કરવા ટેક્સ બ્રાન્ચે લગાવેલ સીલ ખોલી નાખ્યાની ચર્ચા સામે આવી છે. ટેક્સ બ્રાન્ચ અને ટીપી બ્રાન્ચ વચ્ચે સંકલનના અભાવે લાગવગ ધરાવનારાઓ બેખૌફ થઈને ધાર્યા નિશાન પાર પાડી રહ્યા છે. આ મામલે તપાસનો આદેશ થયાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મહાપાલિકા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસથી માર્ચ સુધી બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી મિલકત સીલીંગ અને મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમુક મિલકતો કાયમી ધોરણે સીલ રહેવા પામી છે. હાલ પણ દરરોજ ૨૫થી ૩૦ મિલકતો સીલ થઇ રહી છે. સીલ થયેલ મિલકતના આસામીને વેરો ભરપાઇ કરવાની મુદત અપાય છે અને વેરો ભરપાઇ થયે તંત્ર દ્વારા સીલ ખોલી અપાય છે. પરંતુ અમુક માથાભારે તેમજ રાજકીય લાગવગ ભરાવતા લોકો દ્વારા નિયમોમાં છટકબારી શોધી વધારાનુ બાંધકામ કે બાંધકામમાં ફેરફાર કરવાના બહાના તળે સીલ ખોલી નાખતા હોવાનુ વેરા વિભાગના ધ્યાને આવેલ છે. આથી સર્વે કરી વેરા વિભાગના ચોપડે સીલ બોલતી મિલકતો પૈકી જે મિલકતના સીલ ખુલી ગયા હશે તેવા મિલકત માલિક વિરૂધ્ધ સીજીડીઆરની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વેરા વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સીલ થયેલ મિલકતમાં બાંધકામમાં સુધારા વધારા થઇ શકતા નથી. જેના માટે સંપૂર્ણ વેરો ભરપાઇ કરી બાંધકામની મંજૂરી લેવી ફરિજયાત છે. છતાં અનેક આસામીઓએ નિયમનુ ઉલંધન કરેલ હોય તેમની વિરૂધ્ધ પગલા લેવામાં આવશે.
વેરા વિભાગમાંથી મળેલ વધુ વિગતો મુજબ સીલ થયેલ મિલકતોની દેખરેખ રોજેરોજ રાખવી મુશ્કેલ છે. જેનો લાભ આ પ્રકારના આસામીઓ ઉઠાવી રહ્યા છે. પરંતુ હવેથી જે મિલકત ધારકે જાતે સીલ ખોલી વધારાનું બાંધકામ ચાલુ કર્યુ હશે તેમની વિરૂધ્ધ પગલા લઇ ટીપી વિભાગમાં પણ આ બાંધકામ વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવશે. તેવી જ રીતે બિલ્ડરો દ્વારા પ્લાન મુજબ બાંધકામ ન થયુ હોય અને કામ બંધ કરવામાં આવ્યુ હોય તેવા કિસ્સામાં પણ બિલ્ડરો દ્વારા વધારાનું બાંધકામ મંજૂરી વગર કરાશે તો પ્લાન રદ કરવા સહિતના પગલા તેમની વિરૂધ્ધ લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application