રાજકોટ જિલ્લા પંચાયતના જુની કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર અને જૂની કોર્ટ બિલ્ડીંગમાં રીપેરીંગ કામ પાછળ અંદાજે રૂપિયા ૮૪ લાખનો થયેલો ખર્ચ વિવાદમાં આવી ગયો છે઼ આ સમગ્ર બાબતમાં મોટું કૌભાંડ થયું છે તેવો આક્ષેપ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન મનસુખભાઈ સાકરીયા દ્વારા કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષના આક્ષેપ અને આંદોલન પછી આ સમગ્ર બાબતની તપાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી એ તપાસ સમિતિની જાહેરાત કરી હતી.
સમિતિની જાહેરાત કર્યાના 30 દિવસમાં રિપોર્ટ આવી જશે તેવી પણ સાથો સાથ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ સુધી રિપોર્ટ કેમ આવ્યો નથી તેવો સવાલ રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરીયા એ ઉઠાવ્યો છે. જોકે આ બાબતે જિલ્લા પંચાયતના સતાવાળાઓ કહે છે કે વચગાળાનો રિપોર્ટ આવી ગયો છે અને તેની અમલવારી માટે કાર્યપાલક ઇજનેરને તે મોકલી દેવાયો છે. અમલવારીની કામગીરી કાર્યપાલક ઇજનેર લેવલે કરવાની હોવાથી તેમને આ રિપોર્ટ મોકલી દેવાયો છે. જોકે હજુ ફાઈનલ રિપોર્ટ આવવાનું બાકી છે.
જિલ્લા પંચાયતના સત્તાવાર સાધનોના આ પ્રકારના જવાબથી વિરોધ પક્ષના નેતા આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. 'આજકાલ' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જો રિપોર્ટ આવી ગયો હોય તો અમને હજુ સુધી શા માટે દેખાડવામાં આવ્યો નથી? આ રિપોર્ટની નકલ જો બે દિવસમાં મને નહીં મળે તો મંગળવારથી કોંગ્રેસ પરિવાર જિલ્લા પંચાયત સામે ઉપવાસ આંદોલન શરૂ કરશે અને આ બાબતે મેં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પણ જણાવી દીધું છે.
સ્થળાંતર અને મરામતના રૂપિયા 84 લાખના ખર્ચના મામલે અત્યાર સુધીમાં રૂપિયા 20 લાખનું તો ચુકવણું પણ થઈ ગયું છે. રિપોર્ટ જાહેર થયો હોય તો તે સાર્વજનિક કરવો જોઈએ તેવી પણ વ્યાપક લાગણી અને માગણી ઉઠવા પામી રહી છે. જો કશું ખોટું થયું હોય તો ભ્રષ્ટાચાર કરનાર સામે આકરી કાર્યવાહી થવી જોઈએ અને જો આમ ન થયું હોય તો રિપોર્ટ જાહેર કરવામાં જિલ્લા પંચાયતના સત્તાવાળાઓને શું વાંધો છે ?તેવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.