જામનગર : કોર્પોરેશનની ટીમે ઘાસ જપ્ત કરતા એસએસઆઇ પર હુમલો
જામનગર : કોર્પોરેશનની ટીમે ઘાસ જપ્ત કરતા એસએસઆઇ પર હુમલો
January 05, 2026 05:46 PM
જામનગર શહેરમાં ખાનગી કે જાહેર જગ્યામાં લાયસન્સ વિના ઘાસચારો વેંચવાની મનાઇ છે ત્યારે આજે સવારે ૮-૦૦ વાગ્યા આસપાસ મારૂ કંસારા હોલની બાજુમાં ઘાસ વેંચાતું હોવાની જાણ થતાં જ એસએસઆઇ દીપકભાઇ પરમાર અને તેની ટીમના સભ્યોએ આ ઘાસ જપ્ત કરતા પતિ-પત્ની અને બે બાળકો સહિતના લોકોએ એસએસઆઇ ઉપર પાવડાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલી રહી છે, આ બનાવ બનતા જ નાયબ કમિશ્નર મુકેશ વરણવા અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
જાણવા મળતી માહિતી મુજબ આજે સવારે ૮ વાગ્યે મારૂ કંસારા હોલની બાજુમાં જ ખાનગી જગ્યામાં ઘાસ વેંચાતું હોય આ અંગે કાર્યવાહી કરાતા ઉશ્કેરાઇને પતિ-પત્નીએ હુમલો કર્યો હતો. ત્યારબાદ દીપકભાઇ પરમાર પોલીસ સ્ટેશને ગયા હતાં અને આ હુમલા અંગેની જાણ કરી હતી. આ બનાવ બન્યા બાદ કર્મચારીઓએ પણ પુરતું પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી હતી.