BREAKING NEWS

બોર્ડની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ: કાલે રાજ્યભરના ડીઈઓની ગાંધીનગરમાં બેઠક

  • February 09, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાને લગતી તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારી કેટલે પહોંચી અને હવે શું કરવાનું બાકી રહે છે તેની સમીક્ષા કરવા માટે આવતીકાલે રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારીઓની એક બેઠક સરકારે ગાંધીનગરમાં બોલાવી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને બોર્ડના ચેરમેન સહિતનાઓ પણ ઉપસ્થિત રહેશે.

પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે તેની સંખ્યાના આધારે બિલ્ડીંગ અને બ્લોકની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આવતીકાલની આ મિટિંગમાં પ્રત્યેક જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી તેની વિગત મેળવવામાં આવશે અને બ્લોક તથા બિલ્ડીંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પીવાનું પાણી, છાંયો, પાર્કિંગ, ઇલેક્ટ્રીક સપ્લાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા, બેન્ચીસની હાલત સહિતની જીણામાં ઝીણી વિગતોની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના સંચાલન માટેની એસઓપી પણ જાહેર કરવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. તેમાંથી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો કેટલા છે તેની માહિતી મેળવીને આવા કેન્દ્રોની આસપાસ પોલીસ તથા જરૂર પડયે એસઆરપીની વ્યવસ્થા પણ ગોઠવવાની બાબતો નક્કી કરવામાં આવશે.

પરીક્ષા તારીખ 26 થી શરૂ થવાની છે પરંતુ જિલ્લા મથકના અને રાજ્યકક્ષાના પરીક્ષા કંટ્રોલરૂમ તે પહેલા ચાલુ કરી દેવાતા હોય છે. અત્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા ચાલે છે અને તે તારીખ 16 ના પૂરી થઈ જશે. આ પરીક્ષા પૂરી થયા પછી તુરત જ જિલ્લા કક્ષાના અને રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશે અને તેમાં પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

પરીક્ષા સમય દરમિયાન વીજળી પુરવઠો સતત જળવાઈ રહે તે માટે શું વ્યવસ્થા છે. દૂરના સ્થળોએથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી બસની શું સગવડ છે અને વધારાની શું વ્યવસ્થા છે તે સહિતની બાબતોના લેખાજોખા લેવા માટે આગામી તારીખ 12 ના રોજ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને બોર્ડના ચેરમેન આ વીડિયો કોન્ફરન્સને સંબોધન કરશે અને તેમાં માર્ગ મકાન વિભાગ પોલીસ જિલ્લા શિક્ષણાધિકારીઓ પીજીવીસીએલના અધિકારીઓ વગેરેને ઉપસ્થિત રહેવા માટે અત્યારથી જ જણાવી દેવાયું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કુલ 308 બિલ્ડીંગ પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં 2,753 બ્લોક રાખવામાં આવશે. રાજકોટ શહેરમાં પરીક્ષાર્થીઓની કુલ સંખ્યા 83,248 છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application