BREAKING NEWS

રાજકોટમાં દેશના પ્રથમ 'સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન' ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો શુભારંભ, સૌરાષ્ટ્રમાં ટેકનિકલ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે સુવર્ણ તક

  • February 27, 2026 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા સૌરાષ્ટ્ર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ આવી છે. રાજકોટના સોખડા ગામ સ્થિત મોન્ક ટેકનોલોજી દ્વારા ભારતનો સૌપ્રથમ 11 મહિનાનો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા ગુજરાતના યુવા ઇજનેરો માટે વૈશ્વિક સ્તરની તકોના દ્વાર ખુલ્યા છે. આ અનોખી પહેલ હેઠળ ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની જટિલ પ્રક્રિયાઓનું પ્રાયોગિક જ્ઞાન તદ્દન મફત (ઝીરો કોસ્ટ) આપવામાં આવશે.


આ કાર્યક્રમ ખાસ કરીને ડિપ્લોમા વિદ્યાર્થીઓ અને યુવા ઇજનેરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામની સૌથી મોટી વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને શૂન્ય ખર્ચે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનનું જ્ઞાન અને વ્યવહારુ તાલીમ આપવામાં આવશે. અત્યાર સુધી આ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે વિદ્યાર્થીઓએ વિદેશ કે મોટા મહાનગરો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે રાજકોટના આંગણે આ સુવિધા ઉપલબ્ધ બની છે.


આ 11 મહિનાની સઘન ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને વાસ્તવિક ઇન્ડસ્ટ્રી એક્સપોઝર એટલે કે ઉદ્યોગના વાસ્તવિક વાતાવરણમાં કામ કરવાનો અનુભવ મળશે, સેમિકન્ડક્ટર બનાવવાની જટિલ પ્રક્રિયાઓનું પ્રાયોગિક જ્ઞાન મળશે, આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સ્કિલ ડેવલોપમેન્ટ થશે અને અનુભવી ઇજનેરો અને મેન્ટર્સ દ્વારા સીધું માર્ગદર્શન મળશે


મોન્ક ટેકનોલોજીની આ પહેલ માત્ર એક તાલીમ કાર્યક્રમ નથી, પરંતુ ભારતના હાર્ડવેર ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પેઢીના કુશળ સેમિકન્ડક્ટર એન્જિનિયર્સ તૈયાર કરવાનો છે, જે ભવિષ્યમાં 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સૌરાષ્ટ્રના પ્રદેશમાં ટેકનિકલ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે આ એક સુલભ અને સુવર્ણ માર્ગ સાબિત થશે. આ પ્રોગ્રામ દ્વારા રાજકોટ હવે સેમિકન્ડક્ટર શિક્ષણના નકશા પર પણ અંકિત થઈ ગયું છે.


મોન્ક ટેક પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેક્ટર માર્મિક ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે આ કંપની ચાલુ કરી હતી જેમાં ભારતને પોતાની ટીએસએમસી મળે એટલા માટે. દુનિયામાં સૌથી વધારે ઇલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરતો કોઈ દેશ હોય તો તે ભારત છે. આપણું બહુ મોટું માર્કેટ છે પણ આપણે સેમિકન્ડક્ટર અને માઇક્રો ચિપ પ્રોડક્શન કરતા નથી પણ માત્ર ચિપ ડિઝાઇન કરીએ છીએ. એક આઇડિયા હતો કે, ભારત પાસે એક મેન્યુફેક્ચરિંગ કેપિબિલિટી હોવી જોઈએ. 2022માં મેં કંપની ચાલુ કરી હતી. અત્યારે ભારતની ફર્સ્ટ કોમર્શિયલ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ટરિંગ કંપની છે. અમારૂ લક્ષ્ય એ છે કે ભારતના બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે લોકોનો ઇલેક્ટ્રોનિક કમ્પોનેટની જરૂર પડે તેને આપણા દેશમાંથી જ મલી રહે. આ વસ્તુ હાંસલ કરવું કઠિન છે. બહુ ઓછા દેશો આ વસ્તુ હાંસલ કરી શક્યા છે જેમાં ભારતનું પણ હવે નામ આવી ગયું છે.


ચીફ ટેકનોલોજી એન્ડ કો-ફાઉન્ડર વિજયભાઈએ જણાવ્યું હતું કે, આ ઇન્ટર્નશિપ છે તે સેમિકન્ડક્ટરની દુનિયામાં ભારતના વિકાસને ઝડપી બનાવવામાં મહત્વની છે. ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે મોટો રોલ અદા કરી છે. થિયરિકલ એન્જિનિયરમાંથી અમે પ્રોડક્શન એન્જિનિયર બનાવીશું. આપણી કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્પેસિફેક સેમિ કન્ડક્ટર અને ફેબ્રિકેશનની જરૂર છે.  આનાથી નોલેજેબલ ડિપ્લોમા એન્જિનિયર્સ માર્કેટમાં આવશે. દેશમાં ઘણા ફેબ્રિકેશન અને ફાઉન્ડ્રીમાં આવા એન્જનિયર્સની જરૂર છે. 80 ટકા એન્જિનિયર્સ ડિપ્લોમા કરેલા હોય છે.   


ગર્વમેન્ટ પોલિટેકનિક કોલેજ, રાજકોટના પ્રિન્સિપલ એ.એસ. પંડ્યાએ જણાવ્યું હતું કે, અમારા 50 વિદ્યાર્થીઓ આ ઇન્ટર્નશિપમાં જોડાયા છે. અમારા વિદ્યાર્થીઓ કહે છે કે અમે જિંદગીમાં ક્યારેય જોઈ નથી એવી ટેકનોલોજી જોવા મળી રહી છે અને શીખવા મળે છે. આમાં જે લેવલ 10માં લિથોગ્રાફી છે એ ભારતમાં કદાચ ઇસરોમાં જ છે. આ ટેકનોલોજી મોન્ક નાઇનમાં છે. રાજકોટ માટે ગૌરવની વાત છે કે આવી ટેકનોલોજી આ શહેરમાં છે. આ ફિલ્ડ એવું છે કે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી છેક સુધી લઈ જઈ શકે છે. કદાચ તેઓ 40થી 50 લાખ રૂપિયા વર્ષે કમાય શકે. 


એક લાખ સેમિકન્ડક્ટર એન્જિનિયરો તૈયાર કરવાનો ટાર્ગેટ


માર્મિક ભટ્ટે જણાવ્યું હતું કે, 1980ના દાયકાની વાત કરીએ તો આપણે સોફ્ટવેર તરફ ધ્યાન આપ્યું જ્યારે તાઇવાન અને જાપાન જેવા દેશોએ મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપ્યું. હવે મેન્યુફેક્ચરિંગ દેશની ઇકો સિસ્ટમને ધક્કો મારશે. આ ટાઇપની ઇન્ટર્નશિપ નવી જનરેશનને તે માટે તૈયાર કરે છે. જેના માટે જે ખૂટે છે એ અમે પૂરૂ પાડીએ છીએ. જેને સેમિકન્ડક્ટરમાં કામ કરવું છે તેના માટે અમારા દ્વાર ખુલ્લા છે. અત્યારસુધીમાં 40 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપમાં ભાગ લઈ ચૂક્યા છે. અમારે 2030 સુધીમાં એક લાખ વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર એન્જિનિયરો  તૈયાર કરવા છે. 


સૌરાષ્ટ્ર રિજન માટે બહુ સારુ અને મોટું પ્લેટફોર્મ 

માર્મિક ભટ્ટે જણાવ્યું હતું કે, બિઝનેસ તો ડેવલોપ કરીએ જ છીએ અને સાથે સાથે અમે સૌરાષ્ટ્ર રિજન માટે બહુ સારુ એક પ્લેટફોર્મ પૂરૂ પાડીએ છીએ. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં આખે આખી ટ્રેનિંગ ટીમના એન્જિનિયર્સ લેશે. એ લોકો ઇન્ડસ્ટ્રીઝમાં કઈ કઈ પ્રકારની ચેલેન્જિસ ફેસ થાય છે, કેવા પ્રોબ્લેમ આવે છે તે વિદ્યાર્થીઓને શીખવાડે છે. જેનો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ થિયરિકલ શીખ્યા છે તેને પ્રેક્ટિકલ એક્સપ્ટમાં કન્વર્ટ કરી શકે. એ લોકો પોતાને સ્કીલ લેવલ પર ડેવલોપ કરી શકે, જ્યાં એ લોકોના કરિયર માટે સંપૂર્ણ તૈયાર હોય. આ ગેપ છે એ અમે ઇન્ટર્નશિપમાં રાખ્યો છે. સેમિકન્ડક્ટર ચિપમાં કોમ્બિનેશન છે જેમાં કેમિકલ ટેકનોલોજી, ઇલેક્ટ્રીકલ ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી આ બધા એક ઈન્ડસ્ટ્રીઝનું કોમ્બિનેશન છે. 11 મહિનામાં અમે એક વ્યક્તિને એકેડેમિક સ્ટુડન્ડમાંથી એક વર્કિંગ પ્રોફેશનલ એન્જિનિયર બનાવી દઈએ છીએ. આ એક્ટિવિટી અમે એક પણ રૂપિયો લેતા નથી. આઠ યુનિવર્સિટીઓ સાથે અમારે ઓલરેડી એમઓયુ છે. 


રાજકોટને સૌથી વધારે તક મળે તેવી ઇકો સિસ્ટમ

માર્મિક ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, આપણા વિસ્તારને મેન્યુફેક્ચરિંગ મળે એટલા માટે જ અમે પહેલા સેમિકન્ડક્ટરની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ચાલુ કરી છે. રાજકોટને સૌથી વધારે તક મળે તેવી ઇકો સિસ્ટમ છે. સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, રાજકોટ-જામનગર-મોરબીનો ટ્રાયએંગલ મિનિ જાપાન બનશે. એટલે અત્યારના યુગની યુવા પેઢી ખૂબ જ ઝડપથી આગલ વધી રહી છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ મહત્વનું છે જે આપણા દેશની પ્રગતિ માટે છે. આ પ્રયાસ માટે અમે બહુ સારી એક ટીમ બનાવી છે. અમારી ટીમમમાં 19 વર્ષના યંગ એન્જિનિયરથી ચાલુ કરી અને 60 વર્ષના આઇએસસી બેંગલુરુ અને આઇઆઇટી જેવા એક્સપર્ટ એન્જિનિયર પણ છે. જેઓ 30 વર્ષથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કામ કરેલું છે. સાથે સાથે ડિપ્લોમાં વિદ્યાર્થીઓને પણ આ વસ્તુનો લાભ આપીએ છીએ. જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને સેમિકન્ડક્ટર અને નેનો ટેકનોલોજીમાં પોતાની કારકિર્દી બનાવવા માટે અને રિસર્ચનું લક્ષ્ય પૂરૂ કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહે.


ભારતની સેમિકન્ડક્ટરની માર્કેટ 40 બિલિયન ડોલર 

માર્મિક ભટ્ટ સાથે છેલ્લા ચાર વર્ષથી જોડાયેલા અને મુંબઈના ઉતુલ જોશીએ જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ભારતમાં નવી ઇન્ડસ્ટ્રીઝ તરીકે બહાર આવી રહ્યું છે. આને આગળ લઈ જવા માટે એવા લોકો જોઈશે જેઓ અપકમિંગ છે અને તે વિદ્યાર્થીઓ સિવાય કોઈ ન હોય શકે. આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ખાલી સેમિકન્ડક્ટર સમજવામાં મદદ નહીં કરે પણ 20 વર્ષ પછી વિદ્યાર્થીઓ પોતે આંત્ર્યપ્રિન્યોર બની શકે તે માટેનો પ્રોગ્રામ છે.  અહીં એ લોકોને શીખવા માટેનું પ્લેટફોર્મ મળે છે. સેમિકન્ડક્ટરને આપણે જૂના જમાનામાં આઈસી તરીકે ઓળખતા હતા. જેમ જેમ તેનો પાવર વધતો ગયો તેમ તેમ તેને સેમિ કન્ડક્ટરનું નામ આપવામાં આવ્યું. આજની તારીખમાં ભારતમાં સેમિકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ કોઈ કરતું નથી. હાલ બધી ચિપ ભારત આયાત કરે છે. ભારતની સેમિકન્ડક્ટરની માર્કેટ 40 બિલિયન ડોલર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application