બોટાદના તુરખા ગામે રહેતા પ્રેમી પંખીડાએ જસદણ વીંછિયા વચ્ચે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બંને સંબંધમાં મામા-ફઇના થતા હોવાથી પરિવારે સગપણની ના પાડતા બંને ત્રણેક દિવસથી ભાગી છૂટ્યા હતા. પરિવારજનોને ભાળ મળી જતા બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીનો અને બોટાદના તુરખા ગામે રહેતો મનીષ ધનજી ભુરીયા (ઉ.વ.25) અને ધંધુકાના દેવળીયા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી રીન્કુ રાહુલ વસુનીયા (ઉ.વ.23) બંનેએ રાત્રીના જસદણ વિછિયા વચ્ચે આવેલી હોટેલ પાસે સજોડે ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
યુવક અને યુવતી બંને સંબંધમાં મામા-ફઇના ભાઈ બહેન થતા હોય અને દેવળીયા ગામની સીમમાં બાજુ બાજુમાં જ વાડી ભાગિયું રાખી પરિવાર સાથે ખેત મજૂરી કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ જતા ઘરે લગ્નની વાત કરી હતી પરંતુ સંબંધમાં ભાઈ બહેન થતા હોવાથી પરિવારે લગ્ન ન થઇ શકે કહેતા બંને ત્રણેક દિવસ પહેલા બાઈકમાં ભાગી ગયા હતા. પરિવાર શોધખોળ કરતો હતો દરમિયાન બંને જસદણ વીંછિયા બાજુ હોવાની જાણ થતા બંનેના પરિવાર શોધવા નજીક પહોંચતા યુગલે ઝેરી દવા પી લીધી હતી. બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application