ગોંડલમાં રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરેલી અરજીને મંજૂરી મળી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન ગણેશ જાડેજા પર અનેક શંકાઓ ઉભી થતા નાર્કો ટેસ્ટ જરૂરી હોવાનું માનવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે ગણેશ જાડેજાએ પોતે પણ નાર્કો ટેસ્ટ માટે સંમતિ આપતા પોલીસની પ્રક્રિયા સરળ બની હતી.
સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. નાર્કો ટેસ્ટથી કેસમાં છુપાયેલા અનેક પાસાં બહાર આવવાની શક્યતા છે. પોલીસને આશા છે કે આ પરીક્ષણ બાદ રાજકુમાર જાટના મોત પાછળનું સાચું કારણ અને સંડોવાયેલા લોકો અંગે વધુ સ્પષ્ટતા થશે. તપાસ ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને આવતા દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ ગોડલનો નાર્કો ટેસ્ટ એફએલએલ ગાંધીનગરમાં થઈ શકે છે.
શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે?
નાર્કો ટેસ્ટમાં અપરાધીને ટ્રુથ ડ્રગ આપવામાં આવે છે. જેનાથી તે સાચું બોલવા લાગે છે. ટ્રુથ ડ્રગને ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. ટ્રુથ ડ્રગના કારણે વ્યક્તિ થોડી મિનિટથી લઈને લાંબા સમય માટે અર્ધબેભાન હાલતમાં જતો રહે છે. આ સમયગાળો તેને કેટલો ડોઝ આપવામાં આવ્યો છે તેના પર નિર્ભર હોય છે. આવી અર્ધબેભાન હાલતમાં તે બધુ સાચુ બોલતો જાય છે.