BREAKING NEWS

સિંગાપોરમાં કબૂતરોને ચણ નાખવી ભારે પડી! ભારતીય મૂળની વૃદ્ધા પર કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ

  • February 04, 2026 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંગાપોર તેના કડક કાયદાઓ અને શિસ્ત માટે વિશ્વભરમાં જાણીતું છે. તાજેતરમાં અહીં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભારતીય મૂળની એક ૭૧ વર્ષીય મહિલાને માત્ર કબૂતરોને ચણ નાખવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે. સિંગાપોરની કોર્ટે વન્યજીવ કાયદા (Wildlife Act) હેઠળ આ મહિલા પર ૩,૨૦૦ સિંગાપોર ડોલર (આશરે ₹૨ લાખથી વધુ) નો દંડ ફટકાર્યો છે.


કાયદાનું વારંવાર ઉલ્લંઘન પડ્યું મોંઘું
સિંગાપોરના સૌથી જૂના હાઉસિંગ એસ્ટેટ 'ટોઆ પેઓહ'માં રહેતી સન્મુગનાથન શામલા નામની મહિલા પર આરોપ છે કે તેણે પરવાનગી વગર જંગલી પક્ષીઓને ખોરાક ખવડાવ્યો હતો. શામલાએ છેલ્લા છ મહિનામાં અંદાજે ૯ વખત કબૂતરોને અનાજ અને બ્રેડના ટુકડા ખવડાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ નિયમોની અવગણના કરીને કબૂતરોને ખોરાક આપતી હતી.


અગાઉના વચનો પણ તોડ્યા
કોર્ટમાં નેશનલ પાર્ક્સ બોર્ડ (NParks) ના વકીલોએ જણાવ્યું હતું કે શામલા આ ગુનામાં 'રિપીટ ઓફેન્ડર' (વારંવાર ગુનો કરનાર) છે. ગયા વર્ષે મે ૨૦૨૫માં પણ તેને પક્ષીઓને ચણ નાખવા અને NParks ના કબૂતરો પકડવાના અભિયાનમાં અવરોધ ઊભો કરવા બદલ ૧,૨૦૦ સિંગાપોર ડોલરનો દંડ થયો હતો. તે સમયે તેણે કોર્ટમાં ખાતરી આપી હતી કે તે ફરીથી આવું નહીં કરે. જોકે, દંડ ભર્યાના માત્ર એક જ મહિના બાદ જુલાઈ ૨૦૨૫થી તેણે ફરીથી કબૂતરોને ખવડાવવાનું શરૂ કરી દીધું હતું. વકીલે કોર્ટને જણાવ્યું કે, "આરોપી કાયદાની સતત અવગણના કરી રહી છે. તેણે કોર્ટમાં કરેલા વાદાનું પણ સન્માન કર્યું નથી."


કેમ છે આટલો કડક કાયદો?
સિંગાપોરમાં વન્યજીવ કાયદો અત્યંત કડક છે કારણ કે પક્ષીઓને ખવડાવવાથી તેમની વસ્તી અનિયંત્રિત રીતે વધે છે, જે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા માટે જોખમી બની શકે છે. કબૂતરોની અઘાર અને તેઓના કારણે ફેલાતી ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. કુદરતી આહારને બદલે માણસો દ્વારા અપાતો ખોરાક પક્ષીઓની આદતો બગાડે છે અને શહેરી વ્યવસ્થામાં વિક્ષેપ પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application