જામનગરની જાણીતી પ્રણામી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ વચ્ચે દિવાળી વેકેશન દરમ્યાન ટી-૩૦ ટુર્નામેન્ટ યોજાઈ હતી. કુલ પાંચ ટીમો વચ્ચે લીગ સિસ્ટમ થી મેચ રમવામાં આવ્યા હતા. જેમાં તા.૯ નવેમ્બરના રોજ ફાઈનલ ‘પ્રણામી રેડ અને ‘પ્રણામી બ્લુ’ ટીમ વચ્ચે રમાયો હતો.
જે ફાઈનલ મેચના આરંભમાં ટોસ ઉછાળવા જાણીતી શિપીંગ કંપની વેલજી પી. એન્ડ શન્સના માલીક અશ્વિન સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઈનામ વિતરણ સમારોહમાં ખિજડા મંદીરના મહંત કૃષ્ણમણીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની નિશ્રામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. તેઓની સાથે જામનગર રાજવી પરિવારના નિતાકુમારીબા જાડેજા, તાજેતરમાં જેમની બીસીસીઆઈની એપેક્ષ બોડીમાં વરણી થઈ છે,તે ભુતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્ર જાડેજા, અન્ય ભુતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી કશ્યપ મહેતા, પ્રણામી ગ્લોબલ સ્કુલના કેમ્પસ ડાયરેક્ટર તનેજા વગેરે પણ જોડાયા હતા.
સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ બાર મેચ રમાયા હતા. દરેક મેચના મેન ઑફ ધ મેચના ઈનામો આપવામાં આવ્યા હતા. ફાઈનલ ખુબ જ રસપ્રદ થયો હતો, અને છેલ્લી ઓવરમાં પ્રણામી બ્લુ ટીમનો વિજય થયો હતો. અને તેઓ ચેમ્પિયન બન્યા હતા. જ્યારે પ્રણામી રેડ ટીમ રનર્સ અપ બની હતી. પુજય કૃષ્ણમણીજી મહારાજના હસ્તે ચેમ્પિયન્સ ટ્રોફી પ્રણામી બ્લુના કેપ્ટન રણજીત બારૈયા અને રનર્સ અપ ટ્રોફી પ્રણામી રેડના કેપ્ટન વિરાટ આંબલીયાને આપવામાં આવી.
ફાઈનલ મેચના મેન ઓફ ધ મેચ ધૈર્ય કટારમલ બન્યા હતા. ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન મનન જોશી બન્યા હતા. બેસ્ટ બોલર તરીકે પરીન કણજારીયા બન્યા હતા. આ ટુર્નામેન્ટ માં સદી ફટકારનાર એક માત્ર ક્રિકેટર વિરાટ આંબલીયા પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા. પુજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે પોતાના વક્તવ્યમાં વિજેતાઓને બિરદાવ્યા અને આશિર્વચન પાઠવ્યા હતા અને આ આયોજન બદલ એકેડેમીના કોચ નરેન્દ્ર રાયઠઠ્ઠા, જયપાલસિંહ જાડેજા તેમજ પંકજ વાણીયાને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે મીલનભાઈ અકબરી અને જયેશભાઈ જેઠવાએ સેવા આપેલી હતી. કાર્યક્રમના અંતે કુ. હીરવા રાયઠઠાએ આભારવિધી કરી હતી. કાર્યક્રમ વખતે બહોળી સંખ્યામાં વાલીગણ અને એકેડેમીના જુનીયર અને સિનીયર ખેલાડીઓએ હાજર રહી એકેડેમીના તમામ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.