આગામી ૧૧ જૂન ૨૦૨૬થી અમેરિકા, મેક્સિકો અને કેનેડાના સંયુક્ત યજમાનપદે 'ફિફા વર્લ્ડ કપ' (FIFA World Cup) નો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર વિશ્વમાં ફૂટબોલનો રોમાંચ જોવા મળી રહ્યો છે. પરંતુ ભારતમાં આ વૈશ્વિક ટૂર્નામેન્ટ વચ્ચે પણ ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ અકબંધ છે.ભારતમાં ફૂટબોલના ભવ્ય ઇતિહાસ છતાં ક્રિકેટ કેમ લોકોના લોહીમાં વણાઈ ગયું છે
આજે ભારતમાં ક્રિકેટ એક રમત નહીં પણ તહેવાર બની ચૂક્યું છે. જો કે, એક સમય એવો હતો જ્યારે ભારતનો ફૂટબોલ ઇતિહાસ ખૂબ જ સુવર્ણ હતો. ૧૯૧૧ માં મોહન બાગાને બ્રિટિશ આર્મીને હરાવી આઈએફએ શીલ્ડ જીતી હતી અને ૧૯૫૦ ના ફિફા વર્લ્ડ કપ માટે પણ ભારતે ક્વોલિફાય કર્યું હતું. ૧૯૫૧ અને ૧૯૬૨ ના એશિયન ગેમ્સમાં ભારતે ફૂટબોલમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. છતાં સમય જતાં ફૂટબોલ પાછળ ધકેલાઈ ગયું
ક્રિકેટ કેમ આગળ નીકળી ગયું?
૧. ૧૯૮૩ના વર્લ્ડ કપનો ટર્નિંગ પોઈન્ટ:- ૨૫ જૂન ૧૯૮૩ ના રોજ કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને મેળવેલી ઐતિહાસિક જીતે આખા દેશનો આત્મવિશ્વાસ બદલી નાખ્યો. આ ગાળામાં દેશમાં રંગીન ટીવીનો વ્યાપ વધતા ક્રિકેટરો રાતોરાત દરેક ઘરના આઇકોન અને ભગવાન બની ગયા.
૨. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતની સરળતા:- ક્રિકેટ કોઈપણ ગલી-મોહલ્લામાં ત્રણ ઈંટ અને ટેનિસ બોલથી રમી શકાય છે. જ્યારે ફૂટબોલ રમવા માટે વિશાળ મેદાન અને સ્ટેડિયમની જરૂર પડે છે, જેની ભારતમાં ભારે અછત રહી છે.
૩. કોર્પોરેટ સપોર્ટ અને મીડિયા ગ્લેમર:-૧૯૯૦ ના દાયકામાં સેટેલાઇટ ટીવીના આગમન અને સચિન તેંડુલકર જેવા યુગના ઉદયથી વિજ્ઞાપન જગતે ક્રિકેટને કરોડોની ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી બનાવી દીધી. ફૂટબોલને ન તો મોટો કોર્પોરેટ સપોર્ટ મળ્યો કે ન તો વ્યાપક પ્રસારણ મળ્યું.
૪. વૈશ્વિક સ્તરે ભારતીય ટીમની ગેરહાજરી:-ફૂટબોલ ભારતમાં માત્ર બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યો પૂરતું સીમિત રહ્યું. જ્યાં સુધી આપણો દેશ વૈશ્વિક સ્તરે રમતો ન દેખાય, ત્યાં સુધી લોકોમાં તે રાષ્ટ્રીય જુસ્સો જાગવો મુશ્કેલ છે.