સ્માર્ટ સિટી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ગઈ રાત્રે પોલીસ દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર પોલીસના ઉચ્ચ અધિકારી જગદીશ બાંગરવાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચ અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમો અચાનક મુખ્ય માર્ગો પર ઉતરી આવી હતી, જેના કારણે શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
શહેરમાં વધતા જતા ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો, લુખ્ખા તત્વોની દાદાગીરી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ડામવા માટે આ વિશેષ અભિયાન યોજાયું હતું. પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર ચુસ્ત નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને શંકાસ્પદ જણાતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળી (બ્લેક ફિલ્મ) લક્ઝરી કારો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ઘટનાસ્થળે જ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારાઓ, સ્ટંટબાજો અને ટ્રાફિક નિયમો તોડનારા તત્વોને પોલીસની લાલ આંખનો સામનો કરવો પડ્યો હતો.
આ કામગીરી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના લોકપ્રિય સ્લોગન “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”ને સાર્થક કરતાં પોલીસ દ્વારા અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે રાજકોટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કોઈ જગ્યા નથી. પોલીસની ઝીરો ટોલરન્સ નીતિથી લુખ્ખા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરના સામાન્ય નાગરિકોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો અને જાહેર માર્ગો પર સલામતી વધારવાનો છે. મોડી રાત સુધી ચાલેલી આ સઘન ચેકિંગથી રાજકોટવાસીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો હોવાનું જોવા મળ્યું હતું.