સૌરાષ્ટ્રમાં ગુનાખોરી ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આંતરરાજ્ય અને સ્થાનિક સ્તરે આતંક મચાવતી બે કુખ્યાત ટોળકીઓ 'કાળીયો ગેંગ' અને 'ઈમલા ગેંગ' વિરુદ્ધ સંગઠિત ગુનાખોરી નિયંત્રણ ધારા (GUJCTOC) હેઠળ કડક કાર્યવાહી કરી છે. પોલીસે બંને ગેંગના કુલ 17 સભ્યો સામે ગુનો નોંધીને ગુનાખોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
'કાળીયો ગેંગ'ના 9 સભ્યો સામે કડક કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તરખાટ મચાવતી 'કાળીયો ગેંગ' વિરુદ્ધ પ્રથમ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગ છેલ્લા 10 વર્ષથી રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં સક્રિય હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ સંગઠિત ટોળકી ઘરફોડ ચોરી, લૂંટ, ખૂન અને પ્રોહિબિશન જેવા કુલ 47 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે.
એલ.સી.બી. પી.આઈ. વી.વી. ઓડેદરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વક અભ્યાસ બાદ, આ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગોંડલ સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ પૈકીના 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે 1 આરોપી પહેલેથી જેલમાં છે અને બાકીના 2 ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
'ઈમલા ગેંગ' પર પોલીસનો પ્રહાર
બીજી તરફ, ગોંડલ પંથકમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર 'ઈમલા ગેંગ' વિરુદ્ધ પણ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ટોળકીએ પણ છેલ્લા દાયકામાં હત્યાની કોશિશ, ગંભીર ઈજા પહોંચાડવી અને પ્રોહિબિશન જેવા કુલ 23 જેટલા ગુનાઓ આચરી સ્થાનિક સ્તરે આતંક મચાવ્યો હતો. આ ટોળકીના પણ 8 સભ્યો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં પણ પોલીસની ટીમે બાતમીના આધારે સપાટો બોલાવી 6 આરોપીઓને દબોચી લીધા છે. જ્યારે એક આરોપી જેલના સળિયા પાછળ છે અને એક હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ સમગ્ર તપાસની જવાબદારી મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી રેપુડીને સોંપવામાં આવી છે, જેઓ આ ગેંગના આર્થિક સ્ત્રોત અને અન્ય નેટવર્કની તપાસ કરશે.
કાળીયા ગેંગના સભ્યોના નામ
રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી, વિક્રમ ઉર્ફે વિજય ધીરુભાઈ સોલંકી, દેવચંદ ધીરુભાઈ સોલંકી, નારણ ઉર્ફે નરેશ ધીરુભાઈ સોલંકી, જીતેશ ઉર્ફે કટ્ટી ઉર્ફે જીતો વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો સવજીભાઈ વાઘેલા, સાગર અશોકભાઈ ચારોલીયા, વિજય ઉર્ફે વીજુ ઉર્ફે વિજલો અમરશીભાઈ ચારોલા
ઇમલા ગેંગના સભ્યોના નામ
ઈરફાન ઉર્ફે ઇકો હસનભાઈ કટારીયા, ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઈ ઉર્ફે જમાલભાઈ કટારીયા, હુસેન ઉર્ફે ભોલીયો દિલાવરભાઈ મકરાણી, શકીલ હસનભાઈ કટારીયા, હસન ઈસ્માઈલભાઈ કટારીયા, સરફરાજ ઉર્ફે નોડી હુસેનભાઇ શેખ, નવાજ ઉર્ફે બાબુટ દિલાવરભાઇ પઠાણ, શાહરૂખ ઈબ્રાહીમભાઇ માંડલિયા
ગુનાખોરી પર અંકુશ લાવવાનો પ્રયાસ
રાજકોટ ગ્રામ્ય પોલીસની આ સમાંતર કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ સામે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા હવે આ આરોપીઓને જલ્દી જામીન મળી શકશે નહીં, જે નાગરિકોની સુરક્ષા અને વિસ્તારની શાંતિ માટે મહત્વનું પાસું સાબિત થશે.