BREAKING NEWS

જામનગરમાં જીએસટીના ઐતિહાસીક કૌભાંડમાં સીએ સામે નોંધાયો ગુનો

  • October 09, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી ગઇ હતી, છેલ્લા સાત દિવસથી ચાલતા તપાસના ધમધમાટમાં ઉંડાણપુર્વકની કાર્યવાહી બાદ કરોડો રૂપીયાની જીએસટી ચોરી અંગેનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, મોટી લાખાણી ગામના એક વેપારી પેઢીના ખોટા બીલો દર્શાવીને ૨.૯૩ કરોડની છેતરપીંડી કર્યાની જામનગરના સીએ સામે ફરીયાદ દાખલ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, મસમોટા કૌભાંડમાં એક વેપારી પેઢી દ્વારા મામલો પોલીસમાં પહોચાડયો છે, આવનારા દિવસોમાં અન્ય ફરીયાદો પણ દાખલ થાય તેવી શકયતાઓ સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે, હાલ સીએ ફરાર થઇ ગયો છે જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, આ પ્રકરણની તપાસ એલસીબી પીએસઆઇને સોપવામાં આવી છે.


જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા છેલ્લા છ-સાત દિવસથી સર્ચ ઓપરેશન કરીને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો હતો અને આ અંગે સીએની ઓફીસ, મકાન તેમજ અન્ય વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું, થોકબંધ સાહિત્ય કબ્જે કરાયુ હતું અને જીએસટીના દરોડાઓથી વેપારી, ઉધોગકારો, સીએ સહિતનાઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી, કરોડોના જીએસટી કૌભાંડ મામલે છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં ભારે ચકચાર ફેલાઇ છે અને કથીત ૫૦૦ કરોડનું કૌભાંડ હોવાની પણ ચર્ચાઓ છેલ્લા બે દિવસથી વહેતી થઇ છે, દરમ્યાન કૌભાંડનો સત્તાવાર આંકડો લગત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.


જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસીએટ નામની ઓફીસ ધરાવતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા જેણે કરોડોની જીએસટી ચોરીનું કૌભાંડ આચર્યુ હોવાનું માહિતીના આધારે જીએસટી વિભાગ દ્વારા સર્ચ અને દરોડા પાડવામાં આવ્યા હતા, આ પ્રકરણમાં દિન પ્રતિદિન નવા ખુલાશાઓ થતા હતા, બીજી બાજુ જીએસટી વિભાગના અધિકારી ભવનેશ દેસાઇ અને તેમની ટીમ દ્વારા હાલ સમગ્ર મામલે ઉંડાણપુર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. દરોડા બાદ સીએ અલ્કેશ પેઢડીયા ફરાર થઇ ગયો હતો.


દરમ્યાનમાં જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેતા અને વાહન સ્પેર પાર્ટના વેચાણની પેઢી ધરાવતા પ્રદિપસિંહ લાલુભા જાડેજા જેની પેઢીનું ૨૦૧૭ની સાલથી એકાઉન્ટ લખનાર સીએ અલ્કેશએ પેઢીના જીએસટી રીટર્નમાં વેચાણના ગ્રાહકોની બીલની જગ્યાએ અન્ય જીએસટી ધારક વેપારીઓના મોટી રકમના ખોટા બીલો દર્શાવી ફરીયાદીના જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર રીટર્નમાં ખોટા બીલો બતાવી રૂ. ૨.૯૩.૮૩.૩૩૨ની વેરા શાખ ફરીયાદીની જાણ બહાર અન્ય વેપારીઓને આપી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હતી.


વેપારી પ્રદિપસિંહ દર વર્ષે ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ જીએસટી રીટર્ન તેમના સીએ અલ્કેશ પાસે કરાવતા હોય અને લેતી દેતીના તમામ ટ્રાન્જેકશન બેન્ક મારફતે કરતા હોય જો કે ફરીયાદીની પેઢીના મોબાઇલ નંબર તથા ઇમેલ એડ્રેસ સીએએ તેમનું રાખેલ હતું જેથી ઓટીપી પણ તેમનામાં જતા હતા, દરમ્યાન જુનાગઢ જીએસટી તરફથી પેઢીના નામે સમન્સ આવતા આથી વેપારીએ જીએસટી અધિકારીનો સંપર્ક કરતા અને જામનગર જીએસટી ઓફીસ ખાતે તેઓને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા.
​​​​​​​
ગત તા. ૨-૯-૨૫ના નિવેદન આપેલ ત્યારે જાણવા મળેલ કે તેમના જીએસટી રીટર્નમાં વેચાણના ગ્રાહકોના બીલની જગ્યાએ અન્ય જીએસટી ધારક વેપારીઓના મોટી રકમના ખોટા બીલો દર્શાવેલ છે. આમ સીએએ વેપારીની જાણ બહાર કરોડોની છેતરપીંડી આચર્યાનું સામે આવતા સીટી-સી ડીવીઝનમાં ગઇકાલે પ્રદિપસિંહ જાડેજા દ્વારા સીએ અલ્કેશ પેઢડીયા સામે ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ એલસીબી પીએસઆઇ પી.એન. મોરી ચલાવી રહયા છે, આ અંગેના વધુ પુરાવા  એકત્ર કરવા સહિતની ઉંડાણપુર્વકની કાર્યવાહી ચાલી રહી છે, હાલ જામનગરમાં ભારે ચકચાર જગાવનાર જીએસટી ચોરી પ્રકરણમાં પ્રથમ ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.​​​​​​​


કૌંભાડમાં સંડોવાયેલા મોટા માથાને બદલે ગણ્યા ગાંઠ્યા લોકો સામે કાર્યવાહીથી અનેક સવાલ​​​​​​​

જામનગરમાં જીએસટીના અત્યાર સુધીના રેકર્ડબ્રેક ૧૦૦ કરોડના કૌંભાડની સતત સાતમાં દિવસે તપાસ ચાલી રહી છે. તપાસનીશ અધિકારીઓનું ભેદી મૌનથી રહસ્ય વધુ ઘેરૂ બની રહ્યું છે. ત્યારે આ કૌંભાડમાં મુખ્ય સૂત્રધાર સીએની સાથે અન્ય મોટા માથાની સંડોવણીની શકયતા નકારી શકાતી નથી. ત્યારે કૌંભાડમાં સંડોવાયેલા મોટા માથા સામે કાર્યવાહીના બદલે ગણ્યા ગાંઠયા લોકોને દરરોજ કચેરીએ કલાકો સુધી બેસાડી રાખી અધિકારીઓ શું સાબીત કરવા માંગે છે તે સવાલ ઉઠ્યો છે. કૌંભાડમાં સંડોવાયેલા મોટા માથા સામે કાર્યવાહી કરવામાં અધિકારીઓ લાજ કાઢે  છે કે પછી યેનકેન પ્રકારે દબાણ છે તે તપાસનો વિષય બન્યો છે. 


મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં અધિકારીઓનો પન્નો ટૂંકો પડે છે કે રસ નથી!

જામનગરમાં જીએસટીના રેકર્ડબ્રેક કૌંભાડની આશંકા સેવાઇ રહી છે. કારણ કે, મેગા સર્ચને સાત દિવસ થવા છતાં જીએસટી વિભાગ અધિકારીઓ કેટલી કરચોરી કરવામાં આવી છે, શું મોડસ ઓપરેન્ડી છે તે અંગે અધિકારીઓ મૌન સેવીને બેઠા છે. આટલું જ નહીં વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં અને સુરક્ષા એજન્સીઓની ભરમાર વચ્ચે સમગ્ર કૌંભાડના માસ્ટર માઇન્ડ ગણાતા સીએ સુધી પહોંચવામાં અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે કે રસ નથી કે પછી ઇરાદાપૂર્વક સમય આપવામાં આવી રહ્યો છે તે મુદો પણ શહેરભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 


સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખી કાર્યવાહી, બદલી સહીતની તોળાતી  કાર્યવાહી

ગુજરાતમાં જીએસટી એનફોર્સમેન્ટ વિભાગની અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમોએ ગત શુક્રવારે જામનગરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી ં સીએ,વકીલ, બિલ્ડર્સ અને બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલી ૨૫ પેઢીઓ પર દરોડા પાડયા હતાં. જેમાં શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિએટેડ નામની પેઢી ધરાવતા  સીએ અલ્કેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો અને વ્યવહારો કરી સંભવત: ૧૦૦ કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યાનું ખૂલ્યું છે. ત્યારે કરચોરી અને ખોટી વેરા શાખ લેવાનું આ કૌંભાડ ઘણા સમયથી ચાલી રહ્યું  હોય તે સ્વાભાવિક છે. ત્યારે જીએસટીના સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખી એનફોર્સમેૈન્ટ વિભાગની ટુકડીઓએ કાર્યવાહી કરી મસમોટું કૌંભાડ પકડી પાડયું છે. ત્યારે સ્થાનિક અધિકારીઓની મીઠીનજર તો ન હતી તેવી શહેરમાં જોરશોરથી ચચાી ચાલી રહી છે ત્યારે સ્થાનિક અધિકારીઓ સામે બદલી સહીતની કાર્યવાહી તોળાઇ રહ્યાનું પણ જાણવા મળ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application