ગુજરાતમાં એક અઠવાડિયાથી વધુ સમયથી કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને જગતનો તાતને પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઈ છે. હવે ખેડૂતોને બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક્સ પર મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ટૂંક સમયમાં પાક નુકસાનીનું સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ એક્સ પર લ્ખયું છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.
ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.