BREAKING NEWS

35000 લોકોનું ભવિષ્ય શું? ડિમોલિશનને લઈ જંગલેશ્વરમાંથી લોકોના ટોળા કલેક્ટર કચેરીએ ઉમટ્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા

  • January 29, 2026 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન મુદ્દે આજે ભારે આક્રોશ જોવા મળ્યો છે. આશરે 35 હજાર લોકોના ભવિષ્યને લઈને ચિંતિત રહેવાસીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. “ગરીબોની છત ઉઘાડી ન કરો, 35000 લોકોનું ભવિષ્ય શું?, ગરબો પર તાનાશાહી ન કરો” જેવા સૂત્રો લખેલા બેનરો સાથે મહિલાઓ કલેક્ટર કચેરીના પટાંગણમાં બેસી ગઈ હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસના ધાડેધાડા પણ તૈનાત કરાયા હતા.


ડિમોલિશન મુદ્દે જંગલેશ્વરમાંથી અનેક પરિવારો રડતાં-રડતાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. એક મહિલા તો ઘોડીના ટેકે સહારે આવી અને પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમે વર્ષોથી અહીં રહીએ છીએ, હવે અમારું ઘર તોડી નાખવામાં આવશે તો અમે ક્યાં જઈશું?” વિરોધમાં બેઠેલી મહિલાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે તેઓ કાયદેસર મકાન મેળવવા તૈયાર છે અને હપ્તા ભરવા પણ સંમત છે, પરંતુ એકાએક ઘર તોડી નાખવાની કાર્યવાહી યોગ્ય નથી.


આહીર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ, મુસ્લિમો સહિતના મકાનો કપાતમાં જાય છે. નાડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી, એકતાનગર સહિતની સોસાયટીઓના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે.


મહિલાઓનું કહેવું છે કે તેઓ છેલ્લા 60 વર્ષથી જંગલેશ્વરમાં વસવાટ કરે છે. “અમે અહીં મણબતી બાળીને જીવન પસાર કર્યું છે. અત્યાર સુધી કોઈ મૂળભૂત સુવિધા આપવામાં આવી નથી, અને હવે સીધું ડિમોલિશન કેમ?” એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. કેટલાક લોકોએ લાગણીસભર રીતે કહ્યું કે, “ગરીબોની હાય લાગશે. શું મુસલમાનોને કોઈ અધિકાર જ નથી?”


પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે તેમના મકાનો ન પાડવામાં આવે અથવા મકાન સામે મકાન આપવામાં આવે. રહેવાસીઓએ પ્રશાસનને અપીલ કરી હતી કે માનવીય અભિગમ અપનાવી યોગ્ય પુનર્વસન યોજના અમલમાં મૂકે. હાલ સમગ્ર મામલે કલેક્ટર કચેરી તરફથી ચર્ચા અને રજૂઆતો ચાલી રહી છે, જ્યારે જંગલેશ્વરના લોકો પોતાના ભવિષ્યને લઈને અચોક્કસતા અને ભયમાં જીવતા જોવા મળ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application