ઓરિસ્સાના કટકમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણને પગલે શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આજે વિહીપી 12 કલાક બંધનું એલાન આપ્યું છે અને રવિવારે રેલી દરમિયાન થયેલી આગચંપીના પગલે અમુક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે તેમજ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને બીજુ જનતા દળના વડા નવીન પટનાયકે નાગરિકોને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાંજે મોટરસાયકલ રેલી યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા વહીવટીતંત્રના આદેશનો ભંગ કરવામાં આવ્યો હતો.આ રેલી શહેરના પૂર્વ સીમા પર વિદ્યાધરપુરથી શરૂ થઈ હતી અને દરગાહ બજાર અને અન્ય મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. માર્ગ પરના સીસીટીવી કેમેરાને નુકસાન થયું હતું, અને ગૌરીશંકર પાર્ક વિસ્તારમાં આવેલી દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.આથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, રાજ્ય સરકારે રવિવારે સાંજે 7 વાગ્યાથી સોમવાર સાંજે 7 વાગ્યા સુધી કટક મ્યુનિસિપલ કોર્પોરેશન, કટક ડેવલપમેન્ટ ઓથોરિટી અને આસપાસના 42 મૌઝા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કટક એક હજાર વર્ષ જૂનું શહેર છે જે ભાઈચારો અને એકતા માટે જાણીતું છે.નવીન પટનાયકે કહ્યું કે ઓડિશા શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ જરૂરી છે.કટકના બારાબતીના કોંગ્રેસ ધારાસભ્ય સોફિયા ફિરદોસે આ ઘટના પર દુઃખ અને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે 500 વર્ષથી વધુ સમયથી ઉજવાતી દુર્ગા પૂજાની એકતાને ભંગ કરનારાઓને કાયદા અનુસાર સજા મળવી જોઈએ.વિશ્વ હિન્દુ પરિષદએ આ અથડામણોના વિરોધમાં 6 ઓક્ટોબરે શહેરમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું છે.
શનિવારે રાત્રે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે દરગાહ બજાર વિસ્તારમાં હાથી પોખરી પાસે આ અથડામણ થઈ હતી. ટોળાએ છત પરથી પથ્થરો અને કાચની બોટલો ફેંકી હતી, જેમાં ડીસીપી ખિલાડી ઋષિકેશ જ્ઞાનદેવ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.હિંસામાં સંડોવણી બદલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ, કટકમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી હતી અને અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવાથી રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસર્જન શોભાયાત્રા દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ મોટા અવાજે વગાડવામાં આવતા સંગીતનો વિરોધ કરતા હિંસા ફાટી નીકળી હતી.