ગુજરાતમાં સાયબર ઠગાઈના આંકડાઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં અંદાજે દોઢ લાખ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે, કુલ ભોગ બનનારાઓમાં 45 ટકા સિનિયર સિટીઝનો ભોગ બન્યા છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં વડીલો સાથે થતી છેતરપિંડીના કિસ્સામાં 86 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીઓએ હવે ગુજરાતના નિવૃત્ત અને વયોવૃદ્ધ નાગરિકોને પોતાના મુખ્ય ટાર્ગેટ બનાવ્યા છે.
સાયબર નિષ્ણાતોના મતે, વડીલોમાં જોવા મળતું એકલવાયાપણું અને ટેકનોલોજીનું મર્યાદિત જ્ઞાન આ ઠગાઈ પાછળનું મુખ્ય કારણ છે. વડીલો પોતાનો સમય પસાર કરવા ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ સક્રિય રહે છે, જ્યાંથી તેમની પ્રોફાઇલ અને સ્ટેટસ દ્વારા ઠગ ટોળકીઓ તેમની અંગત વિગતો મેળવી લે છે. આ સિવાય ટ્રુ કોલર, ઓનલાઈન પેમેન્ટ એપ્સ અને બેન્કિંગ ડેટાના વેચાણ દ્વારા પણ વડીલોની માહિતી સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચી રહી હોવાનું અનુમાન છે.
સાયબર ગુનેગારો વડીલોના બેન્ક એકાઉન્ટની પ્રાથમિક વિગતો જાણી લીધા બાદ વાતચીત શરૂ કરે છે. તેઓ ડર, લાલચ અને ભાવનાત્મક બાબતોનું એવું સંમિશ્રણ કરે છે કે વડીલો તેમની જાળમાં ફસાઈ જાય છે. તાજેતરમાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને વડીલોને પોલીસ કે સીબીઆઈના નામે ડરાવીને કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ વધ્યા છે. વર્ષ 2025માં ગુજરાતની બે વૃદ્ધ મહિલાઓ પાસેથી આ રીતે 30 કરોડ રૂપિયા પડાવી લેવાયા હતા, જેની તપાસ અત્યારે કેન્દ્રીય એજન્સીઓ કરી રહી છે.
સાયબર પોલીસ અને એજન્સીઓ માટે હવે સમય પાકી ગયો છે કે તેઓ માત્ર જનજાગૃતિના સંદેશા આપવાને બદલે મૂળ સુધી પહોંચે. જ્યાં સુધી બેન્ક વિગતો અને અંગત ડેટા લીક કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આ કૌભાંડો અટકવાના નથી. વડીલો માટે અત્યારે એક જ રસ્તો છે - 'ચેતતા નર સદા સુખી'. કોઈપણ અજાણ્યા કોલ કે મેસેજ પર વિશ્વાસ ન કરવો અને ઓટીપી કે પીન નંબર જેવી ખાનગી માહિતી કોઈની પણ સાથે શેર ન કરવી એ જ અત્યારના સમયમાં સૌથી મોટી સુરક્ષા છે.