આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દ્વારા ચૂકવણી કરવી એ આપણી રોજિંદી આદત બની ગઈ છે, પરંતુ તેની સાથે જ સાયબર ઠગાઈનો ડર પણ સતત સતાવતો રહે છે. સામાન્ય નાગરિકોની આ જ ચિંતાને કાયમી ધોરણે દૂર કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્રીય બેંકે તેની વાર્ષિક રિપોર્ટમાં જાહેરાત કરી છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટે ટૂંક સમયમાં એક ખાસ 'કિલ સ્વિચ'ફીચર લોન્ચ કરવામાં આવશે.
એક જ ઝટકામાં લોક થઈ જશે આખું બેંક એકાઉન્ટ
હાલના સમયમાં જો કોઈ સાયબર ગુનેગારના હાથમાં તમારી બેંકિંગ વિગતો આવી જાય, તો તે ગણતરીની સેકન્ડોમાં ખાતું ખાલી કરી નાખે છે. આ નુકસાનને રોકવા માટે જ RBI તમામ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર 'સ્વિચ ઓન' ની સાથે 'સ્વિચ ઓફ' કરવાની સુવિધા લાવવા જઈ રહ્યું છે.જો કોઈ ગ્રાહકને પોતાના ખાતામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઓનલાઈન ફ્રોડની આશંકા જણાશે, તો તે આ 'કિલ સ્વિચ' એક્ટિવેટ કરીને એક જ ક્લિકમાં પોતાના ખાતામાંથી થતા તમામ પ્રકારના ઉપાડને તાત્કાલિક રોકી શકશે. અત્યાર સુધી આ પ્રકારની ઓન/ઓફ સુવિધા માત્ર ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પૂરતી જ મર્યાદિત હતી.
મોટા પેમેન્ટમાં જાણી જોઈને સમયનો વિલંબ કરાશે
મોટા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા થતી છેતરપિંડી પર લગામ કસવા માટે પણ એક મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમ હેઠળ, જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર અન્ય કોઈ નવી વ્યક્તિને (P2P) મોટી રકમ ટ્રાન્સફર કરશે, ત્યારે તે પ્રક્રિયા પૂર્ણ થવામાં જાણી જોઈને થોડો સમય (ટાઈમ-લેગ) લેવામાં આવશે. આ મામૂલી વિલંબનો મોટો ફાયદો એ થશે કે જો કોઈ ટ્રાન્ઝેક્શન છેતરપિંડીથી થઈ રહ્યું હોય, તો તે સિસ્ટમમાં પ્રોસેસ થાય તે પહેલાં જ ગ્રાહક તેને બ્લોક કરી શકશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કરશે પૈસાની ચોકીદારીસાયબર અપરાધીઓથી બે કદમ આગળ રહેવા માટે રિઝર્વ બેંક આ જ વર્ષે 'ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ' (DPIP) શરૂ કરવા જઈ રહી છે. આ અત્યાધુનિક સિસ્ટમ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સજ્જ હશે, જે ભારતમાં થતા દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર રીયલ-ટાઇમ નજર રાખશે. આ પ્લેટફોર્મ દરેક નાણાકીય વ્યવહારને એક 'રિસ્ક સ્કોર' આપશે, જેનાથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે નાણાકીય ગરબડની તુરંત ઓળખ થઈ જશે.એક સર્વે અનુસાર, દેશના 52% લોકો સુવિધા અને ઝડપના કારણે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે, જ્યારે ૬૭% વેપારીઓનો વેપાર પણ આના કારણે વધ્યો છે. તેવામાં આ નવું સુરક્ષા કવચ દેશના કરોડો બેંક ગ્રાહકો માટે વરદાન સાબિત થશે.