દેશમાં સાઇબર ગઠીયાઓનો ભોગ લોકો ન બને એ માટે પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમની સાથે સોશિયલ મીડિયામાં પણ જનહિતને લઈને માર્ગદર્શક બને છે, આ ઉપરાંત પોલીસ કે સીબીઆઈ સહિતની એજન્સીની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ અખબારોમાં સમાચારોના માધ્યમથી પ્રસિધ્ધ થઈ રહ્યા છે એમ છતાં લોકો લાલચમાં આવી સાયબર છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. એવામાં વધુ એક કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે, મિતીયાળાના મહિલાએ ફેસબુકમાં એક જાહેરાત જોઈ હતી જેમાં રૂ.5 ની ટ્રેકટર વાળી નોટ સામે રૂ.15 લાખ આપવામાં આવશે આ જાહેરાતમાં ભરમાઈ મહિલાએ સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો અને સાઇબર ઠગે જુદા જુદા ડોક્યુમેન્ટના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ વિડીયો કોલ કરી પોતે સીબીઆઈ માંથી પોલીસ ઓફિસર બોલું છું અને તમને આજીવન જેલ થશે તેવી ડરામણી બતાવી સમાધાનના નામે કુલ રૂ. 1,41,750 ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી લેતા અંતે મહિલાએ સાયબર પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
ડિજિટલ એરેસ્ટના બનાવની મળતી વિગત મુજબ જાફરાબાદના મીતીયાળા ગામે રહેતા અને મજૂરીકામ કરતા જાગૃતિબેન મેઘજીભાઈ બાંભણીયા (ઉ.વ.44)ના મહિલાએ ફેસબુક એડ વાંચી હતી જેમાં લખ્યું હતું કે, રૂ.5 ની જૂની ટ્રેકટર છાપ વાળી નોટના બદલામાં રૂ.15 લાખ આપવામાં આવશે, આ લોભામણી જાહેરાતને લઈને મહિલાએ ફેસબુક જાહેરાતમાં આપેલા 8852911880 નંબર પર સંપર્ક કર્યો હતો. આથી તેમને નોટનો ફોટો મોકલવાનું કહેતા વોટ્સએપ પર નોટનો ફોટો મોકલ્યો હતો.
બાદમાં આધારકાર્ડનો ફોટો માગી તમારા રૂ.15 લાખ મંજુર થઇ ગયાનું જણાવ્યું હતું. આ પૈસા માટે રૂ.550 તમારે રજીસ્ટ્રેશન માટે મોકલવા પડશે કહેતા મહિલાએ ગુગલ પે મારફતે પૈસા મોકલ્યા હતા. ફરી મેસેજ આવ્યો હતો કે, રજીસ્ટ્રેશન થઇ ગયું છે, હવે તમારે જીએસટીના રૂ.7500 ભરવાના રહેશે જે તમને 15 લાખ રૂપિયાની સાથે મળી જશે. આ પૈસા પણ મોકલ્યા બાદ ફરી ફોન આવ્યો હતો કે, તમારા પૈસા મળ્યા નથી ફરી વાર પૈસા મોકલો આથી મહિલાએ વધુ 7500 ટ્રાન્સફર કર્યા હતા.
એ પછી વોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો કે તમારા પૈસા સાંજ સુધીમાં તમને ઘરે મળી જશે. પરંતુ સાંજ સુધીમાં પૈસા ન મળતા મહિલાએ ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ થતો ન હોવાથી મેસેજ કર્યો હતો કે, હજુ પૈસા મળ્યા નથી જો પૈસા ના આવવાના હોય તો મારા 32,500 ટ્રાન્સફર કરેલા પૈસા પાછા મોકલી આપો, તા.14-12ના મહિલાને વિડીયોકોલ આવ્યો હતો અને હું સીબીઆઈમાંથી પોલીસ ઓફિસર બોલું છું , તારા ઉપર કેસ થયો છે, ટેરો વિડીયો રેકોર્ડિંગ થી ગયો છે, અને તને આજીવન જેલ પડવાની છે, તારેર સમાધાન કરવાનું હોય તો ક્યુઆર કોડ મોકલું તેમાં 37000 નાખ તો સમાધાન થઇ જશે. આથી ડરી ગયેલા મહિલાએ 37000 રૂપિયા મોકલ્યા હતા. આમ વારંવાર ધરપકડ કરવા સહિતનો ડર બતાવી વીડિયોકોલ કરી મહિલા પાસેથી રૂ.1,41,750 ઓન લાઈન ટ્રાન્જેક્શન દ્વારા મેળવી લેવામાં આવતા અંતે મહિલાએ 1930 ઉપર સાઇબર હેલ્પ લાઈનમાં ફોન કરી વિગતો જણાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે