BREAKING NEWS

સાયક્લોન 'અર્નબ'ની અસર શરૂ, તટીય વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા અને આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર

  • October 27, 2026 10:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 'અર્નબ' અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન બની ગયું છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે આ તોફાનના ટકરાવાની આશંકાને જોતાં બંને રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 ઓક્ટોબરની સવારે આંધ્ર પ્રદેશના બાપાટલાથી વિશાખાપટ્ટનમ તટ વચ્ચે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે લેન્ડફોલ થશે.


હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર બુધવારે વહેલી સવારે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન વિશાખાપટ્ટનમ નજીક આ તોફાનનું લેન્ડફોલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તટીય વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.


આ દરમિયાન પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાક અને તેના ઝાપટા 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 89000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પૂરના જોખમને કારણે સાવચેતીના ભાગરૂપે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર ઉડાનો પણ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત ઓડિશાના 16 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ બંધ રાખવામાં આવી છે.



ચક્રવાતના પ્રભાવ હેઠળ પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુરમાં મધ્યમ વરસાદ થયો છે, જ્યારે ઝારગ્રામ, પશ્ચિમ મેદિનીપુર, હાવડા અને કોલકાતાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application