BREAKING NEWS

GPCBના અધિકારીઓના નામે રૂ.૩૦ લાખની તોડબાજી: રાજકોટ ગ્રામ્ય LCBએ બે શખ્સને ઝડપ્યા, જાણો કઈ રીતે વેપારીને શીશામાં ઉતાર્યા

  • November 01, 2026 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને શાપર (વેરાવળ) પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી વેપારી પાસે બળજબરીપૂર્વક નાણાં પડાવતી શાતિર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજય સિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.   


કંપની વિરુદ્ધ ખોટી અરજીઓ કરી રૂ.૩૦ લાખની તોડબાજીનો ખેલ

બનાવની વિગત મુજબ, આરોપીઓએ 'પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની સામે અલગ-અલગ સરકારી કચેરીઓમાં ખોટી અરજીઓ કરી હતી. ત્યારબાદ પોતાની GPCBના અધિકારીઓ સાથે પહોંચ હોવાનો દાવો કરીને કંપની સામે કોઈ પગલાં ન લેવાય તે માટે વકીલ મારફતે રૂ.૩૦ લાખની મોટી રકમની માંગણી કરી હતી. કંપનીના સંચાલકોએ પૈસા આપવાની ના પાડતાં આરોપીઓએ કંપની પર આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જીએસટી, ઇન્કમટેક્સ, એટ્રોસિટી અને પોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં ખોટી ફરિયાદો કરવાની તથા ફેસબુક પર બદનામી કરવાની ધમકી આપીને બળજબરીથી રૂ.૧ લાખ પડાવી લીધા હતા અને બાકીના રૂ.૨૯ લાખ માટે ધમકાવી રહ્યા હતા.   


શાપર (વે) પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ અને બે આરોપીઓની ધરપકડ

આ મામલે શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫) અને ૩૫૧(૩) મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી LCB પીઆઈ જે.પી. રાવ અને શાપર પીઆઈ આર.બી. રાણાની ટીમે સઘન તપાસ ચલાવીને જીવરાજ પાર્કના પ્રતાપ મગનભાઈ સોલંકી (ઉં.વ. ૩૦) અને પારડી ગામના ધીરુભાઈ રામજીભાઈ ચાવડાની ધરપકડ કરી છે.   


રોકડ અને મોબાઈલ સહિત રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી બળજબરીથી પડાવેલા રોકડા રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) અને રૂ.૩૦,૦૦૦ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૧,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ કે વકીલની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application