BREAKING NEWS

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું અપમાન કરવા પર પ્રતિબંધ, 'સ્કૂલ વેલનેસ ટીમ' રચાશે

  • November 01, 2026 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધી શાળાઓમાં વિદ્યાર્થીની ક્ષમતા માત્ર તેના માર્ક્સ અને પરીક્ષાના પરિણામથી જ માપવામાં આવતી હતી, પરંતુ હવે આ અભિગમ બદલવાનો મહત્વનો સમય આવી ગયો છે. ગુજરાત સરકારે એક નવો નિયમ બનાવ્યો છે કે શાળામાં ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન નહીં કરી શકાય તેમજ વધુ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ સાથે તેની તુલના કે સરખામણી પણ કરી શકાશે નહીં. એટલું જ નહીં, પરિણામના આધારે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અલગ બેસાડવા પર પણ સખત પ્રતિબંધ રહેશે. વિદ્યાર્થીઓના વધતા માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો અને આત્મહત્યા નિવારણ માટે રાજ્યની ધોરણ ૯ થી ૧૨ ની તમામ શાળાઓમાં આ નવી વ્યવસ્થા ઊભી કરવાનો ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે.


'સ્કૂલ વેલનેસ ટીમ' અને 'મનો-મિત્ર' જેવી અનોખી પહેલ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ માટે શિક્ષણ નિયમોમાં વિશેષ સુધારા કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા અનુસાર હવે દરેક શાળામાં 'સ્કૂલ વેલનેસ ટીમ' બનાવવી અનિવાર્ય રહેશે, જેનું મુખ્ય કામ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, હતાશા, ભય અને કોઈપણ અસામાન્ય વર્તનનાં શરૂઆતનાં સંકેતોને ઓળખવાનું રહેશે. આ ઉપરાંત, શાળાઓમાં 'મનો-મિત્ર' નામની અનોખી પહેલ પણ સામેલ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓમાંથી જ લીડરની પસંદગી કરવામાં આવશે. આ મનો-મિત્ર પોતાના સહપાઠીઓની મુશ્કેલીઓ સાંભળશે અને તેમને યોગ્ય શિક્ષક કે કાઉન્સેલર સુધી પહોંચાડવામાં મદદ કરશે, જેથી વિદ્યાર્થીઓ વિસંગતતા કે સંકોચ અનુભવ્યા વગર પોતાની વાત ખુલીને રજૂ કરી શકે.


કાઉન્સેલરની નિમણૂક અને શાળાઓ માટે કડક જવાબદારી

શાળામાં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તો ફરજિયાતપણે લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિમણૂક કરવી પડશે, જ્યારે નાની શાળાઓએ નજીકના આરોગ્ય કેન્દ્રો કે ટેલી-માનસ સેવા સાથે જોડાણ કરવાનું રહેશે. બોર્ડની પરીક્ષા અને પરિણામોના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને વિશેષ માર્ગદર્શન આપવું પડશે તેમજ યોગ, ધ્યાન અને સંગીત જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી પડશે. જો કોઈ વિદ્યાર્થી આત્મહાનિના વિચારો કે સંકેતો ધરાવતો હોય અને શાળાને તેની જાણ હોવા છતાં સમયસર પગલાં ન લેવાય, તો તેને સંસ્થાકીય બેદરકારી ગણીને જવાબદાર સંસ્થા કે અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર નિયમોના ચુસ્ત અમલ પર નજર રાખવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિશેષ દેખરેખ સમિતિ પણ બનાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application